રશિયાની રાજધાની મોસ્કોથી આર્કટિક ક્ષેત્રમાં સ્થિત રશિયન શહેર મરમાંસ્ક જઈ રહેલું એક પેસેન્જર પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થતાં બે બાળકો સહિત ૪૧ લોકોનાં મોત થયાં છે. અહેવાલો અનુસાર રવિવારે થયેલી આ વિમાન દુર્ઘટનામાં જ્યારે રશિયાની એરોફ્લૉટ એરલાઈનનું સુખોઈ સુપરજેટ-૧૦૦ પેસેન્જર પ્લેન હવામાં હતું ત્યારે જ તેમાં અચાનક આગ લાગી હતી. ત્યારબાદ પ્લેનનું ઈમર્જન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી અને એ વખતે વિમાન આગનો ગોળો બની ગયું હતું. ક્રેશ લેન્ડિંગ વખતે જ સુખોઈ સુપરજેટ આખું સળગી ગયું હતું.એજન્સીઓના જણાવ્યા અનુસાર દુર્ઘટના વખતે પ્લેનમાં ૭૮ યાત્રીઓ સવાર હતા, જેમાંથી ૩૭ને બચાવી લેવામાં આવ્યા છે.
રશિયાના સુખોઈ સુપરજેટ પ્લેનમાં મોસ્કોના શેરમેતયેવો એરપોર્ટ પરથી ટેક ઓફ થયાની થોડી મિનિટમાં જ આગ લાગી હતી. ત્યારબાદ પ્લેનનું ઈમર્જન્સી લેન્ડિંગ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જોકે આમ છતાં પણ કેટલાક લોકોના જીવ બચાવી શકવામાં સફળતા મળી ન હતી.
એરપોર્ટના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે,કેટલાક લોકોએ વિમાનમાંથી બહાર નીકળવામાં પણ વિલંબ કર્યો હતો, કેમ કે તેઓ પોતાના સામાનને પણ સાથે લઈને ઊતરવા ઈચ્છતા હતા. આ વિલંબના કારણે પણ અમુક લોકોએ જીવ ગુમાવવો પડ્યો હતો. દુર્ઘટનાની તપાસ કરી રહેલી ટીમના પ્રવક્તા સ્વેતલાના પેટ્રેન્કોએ હાલ ૪૧ લોકોનાં મૃત્યુની પુષ્ટિ કરી છે અને જણાવ્યું છે કે આ આંકડો હજુ વધી શકે છે.
મૃતકોમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે. તપાસકર્તા અધિકારીઓનું કહેવું છે કે જ્યારે એરપોર્ટ પર સુખોઈ સુપરજેટ પેસેન્જર પ્લેનનું ઈમર્જન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું ત્યારે તેમાં કુલ ૭૮ પ્રવાસીઓ સવાર હતાં. રશિયાનાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ મામેલા લોકોનાં સ્વજનો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી છે.
એરપોર્ટ પર આગનો ગોળો બની ગયેલા વિમાનનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં સાફ જોઈ શકાય છે કે વિમાન રન-વે પર લેન્ડ કરી રહ્યું છે અને વિમાનના પાછળના ભાગમાં ભયંકર આગ લાગી છે. યાત્રીઓ પોતાનો જીવ બચાવવા માટે આગળના ગેટમાંથી નીચે કૂદી રહ્યા છે તે પણ વીડિયોમાં દેખાય છે. ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક એરપોર્ટ પર પહોંચી ગઈ હતી પણ ત્યાં સુધીમાં તો વિમાન આખું સળગી ગયું હતું.
પ્લેનમાં આગ કેમ લાગી તેનાં કારણો હજુ જાણી શકાયાં નથી. સૂત્રોના કહેવા પ્રમાણે પ્રવાસીઓને સળગતા પ્લેનમાંથી બહાર કાઢતી વખતે મદદ કરનારા ફ્લાઈટ એટેન્ડેન્ટ મેક્સિમ મૉયસિવ પણ સળગી ગયા હતા અને તેમણે પણ જીવ ગુમાવ્યો હતો. પ્લેનના ક્રૂમાં કુલ પાંચ સભ્ય હતાં.