છ માસ પૂર્વે યુવતીની માથા વગરની મળી આવેલ લાશનો હત્યારો ઝડપાયો

4695

ગઇ તા.૦૪/૧૧/૨૦૧૮ ના રોજ સાવરકુંડલા તાલુકાના બોઘરીયાણી ગામની સીમ વિસ્તારમાં આવેલ સાવરકુંડલા નગરપાલિકાના ડમ્પીંગ સ્ટેશનની પૂર્વ બાજુના શેડની પાસે ખાડામાંથી એક અજાણી સ્ત્રીની માથા વગરની લાશ મળી આવેલ હતી. મરણ જનાર યુવતીની ઉંમર આશરે ૨૫ થી ૩૦ વર્ષની હતી. લાશના શરીરે લીલા કલરનું કુર્તી, કુર્તી નીચે સફેદ તથા કાળા કલરની ઉભી લીટી વાળો શર્ટ અને લીલા કલરની ચોરણી પહેરેલ હતી. યુવતીની લાશના જમણા હાથ ઉપર અંગુઠા પાસે ‘એસ.એસ’ તથા કલાઇના ભાગે ‘‘એમ.એસ’’ તથા કાંડાથી ઉપર અને કોણીથી નીચે વચ્ચેના ભાગે સ્ટાર તથા તેની બાજુમાં ‘‘જી’’ ત્રોફાવેલ હતું. અને તેની નીચે ત્રાજવું ત્રોફાવેલ તે ચેકાવેલ હતું. ડાબા હાથના અંગુઠા પાસે ‘‘કાનો’’ તથા કલાઇના ભાગે ‘‘રાજુ’’ ત્રોફાવેલ હતું. અને અંદાજે ૩૬ કલાક પહેલા આ અજાણી સ્ત્રીનું કોઇ અજાણ્યા ઇસમે ધારદાર હથિયારથી ગળાના ભાગે ઘા કરી માથું ધડથી અલગ કરી મોત નિપજાવેલ હોય, અજાણ્યા ઇસમ અંગે સાવરકુંડલા રૂરલ પો.સ્ટે.ના હેડ કોન્સ. ગજેન્દ્રભાઇ રામભાઇ ધાધલે સરકાર તરફે ફરિયાદ આપતાં સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. ગુન્હો રજી. થયેલ હતો.

અજાણી સ્ત્રીની લાશની ઓળખ માટે લાશના ફોટોગ્રાફ્સની સમાચાર પત્રો તથા દુરદર્શન તેમજ સ્થાનિક ન્યુઝ ચેનલો મારફતે પ્રસિધ્ધી કરાવવામાં આવેલ તેમજ અમરેલી જીલ્લામાં તથા આજુબાજુના જીલ્લાઓમાંથી ૨૫ થી ૩૦ વર્ષની યુવતીઓ ગુમ તથા અપહરણ થયેલ હોય તેમની ફોટોગ્રાફ સહિતની માહિતી મેળવવામાં આવેલ તેમજ અંગત બાતમીદારો મારફતે પણ અજાણી સ્ત્રી અંગે ઓળખ મેળવવા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતાં.

અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય અજાણી સ્ત્રીની લાશની ઓળખ કરવા અને તેનું મોત નિપજાવનાર અજાણ્યા આરોપીને હસ્તગત કરવા અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પો.ઇન્સ.આર.કે.કરમટા તથા એલ.સી.બી. ટીમને જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપેલ જે અન્વયે મરણ જનાર યુવતીની લાશના જમણા હાથ ઉપર અંગુઠા પાસે ‘એસ.એસ’ તથા કલાઇના ભાગે ‘એમ.એસ’’ તથા કાંડાથી ઉપર અને કોણીથી નીચે વચ્ચેના ભાગે સ્ટાર તથા તેની બાજુમાં ‘‘જી’’ ત્રોફાવેલ હતું. અને તેની નીચે ત્રાજવું ત્રોફાવેલ તે ચેકાવેલ હતું. ડાબા હાથના અંગુઠા પાસે ‘‘કાનો’’ તથા કલાઇના ભાગે ‘‘રાજુ’’ ત્રોફાવેલ હતું. જે આધારે સાવરકુંડલા તથા આજુબાજુના વિસ્તારમાં રહેતી ‘‘એસ’’ તથા ‘‘એમ’’ અક્ષરથી શરૂ થતા નામ વાળી યુવતી અને ‘‘કાનો’’ તથા ‘‘રાજુ’’ નામ વાળા ઇસમો અંગે તપાસ હાથ ધરવામાં આવેલ અને અંગત બાતમીદારો મારફતે જાણવા મળેલ હતું કે સાવરકુંડલામાં બોઘરીયાણી જવાના રસ્તે કાનો નામનો વ્યક્તિ રહેતો હતો અને આ બનાવ બનેલ તે દિવસથી તે ગુમ છે આવી હકીકત જાણવા મળતાં કાના નામના ઇસમ અંગે તપાસ હાથ ધરતાં કાનો ઉર્ફે કાનજી ભીખાભાઇ ગોઠડીયા નામનો ઇસમ બોઘરીયાણી જવાના રસ્તે રહેતો હતો અને તેની સાથે સોનલ નામની યુવતી રહેતી હતી તેવી માહિતી મળી હતી. આ દિશામાં વધુ તપાસ હાથ ધરતાં ખાનગી સોર્સ અને ટેેકનીકલ રીતે તપાસ કરતાં કાનો ભાવનગર જીલ્લાના શિહોર તાલુકાના ટાણા પાસે આવેલ ગુંદાળા ગામે હોવાની બાતમી મળતાં કાનાને હસ્તગત કરી અજાણી સ્ત્રીની લાશ અંગે તેની પુછપરછ કરતાં કાનાએ પોતે જ આ સ્ત્રી કે જેનું નામ સોનલ હતું તેનું કરવત વડે ગળું કાપી માથું દાટી દીધેલ અને ધડ સાવરકુંડલા તાલુકાના બોઘરીયાણી સીમ વિસ્તારમાં ફેંકી દીધેલ હોવાની કબુલાત આપેલ હતી.

કરવતીથી માથુ કાપી ધજડી ગામે નાળામાં દાટી દીધાની શખ્સની કબુલાત

મરણ જનાર યુવતીનું નામ ફિરોજા ઉર્ફે સોનલ ઉર્ફે મનિષા ડો/ઓ છોટુભાઇ મનજીભાઇ સાંગાણી હતું અને તે રાજકોટની રહેવાસી હતી. તેને સંતાનમાં બે દિકરીઓ અને એક દિકરો હતાં. અને પોતાના પતિ સાથે છુટાછેડાં થતાં મોટા દિકરી-દિકરો તેણીના પતિ પાસે રહેલ અને નાની દિકરી નામ છાયા મરણ જનાર પાસે રહેલ તથા મરણ જનાર સોનલબેન સાવરકુંડલા મુકામે આરોપી કાનાની બહેન દયાબેન અશોકભાઇના ઘરે આવેલ ત્યારે આરોપી કાના સાથે તેને પરિચય થયેલ અને બાદમાં સોનલબેન પોતાની દિકરી છાયાને લઇને કાનાના ઘરે રહેવા માટે જતી રહેલ. અને કાનાના નામનું ત્રાજવું પણ તેણીએ હાથમાં ત્રોફાવેલ હતું. સોનલબેન કાના સાથે રહે તે કાનાના ઘરના સભ્યોને મંજુર ન હોય કાનો સોનલબેન તથા તેની દિકરી છાયાને લઇ ભાવનગર જીલ્લાના શિહોર તાલુકાના ગુંદાળા ગામે રહેવા જતો રહેલ અને ત્યાં ખેત મજુરી કામ કરવા લાગેલ અને કાનો દારૂ પીતો હોય જેથી તેને સોનલબેન સાથે અવાર નવાર ઝગડા થતા હતા અને કાનો દારૂ પીને સોનલબેનને ખુબ જ માર મારતો હતો. છ એક માસ પહેલા ગુંદાળા ગામે વાડીએ કાનાએ સોનલબેનને ખુબ માર મારતાં સોનલબેન મરણ પામેલ અને કાનાએ સોનલબેન બિમારીના કારણે મરણ પામેલ છે તેવું જાહેર કરી મરનાર સોનલબેનની લાશની અંતિમવિધી કરવાના બહાને ગુંદાળાથી વાહન બંધાવી સોનલબેનની લાશ લઇ સાવરકુંડલા ખાતરવાડી સુધી આવેલ અને ખાતરવાડી પાસે લાશ ઉતરાવી, વાહનને રવાના કરી દીધેલ તથા આ સોનલબેન સાથેના સબંધોની પોતાના કુટુંબમાં જાણ ન થાય અને લાશની ઓળખ ન થાય તે માટે કાનાએ રાત્રે જ નજીકની વાડીએથી  લાકડા કાપવાની કરવત મેળવી કરવત વડે સોનલબેનનું માથું કાપી ધડથી અલગ કરી નાંખેલ અને ધડ ત્યાં જ મુકી તેના ઉપર ગોદડું તથા કાંટા નાંખી માથું એક થેલીમાં મુકી ધજડી ગામના પાટીયા પાસે આવેલ નાળામાં નીચે ખાડો કરી દાટી દીધેલ અને પછી થોડા દિવસ પોતાના સબંધીના ઘરે રોકાય પાછા ગુંદાળા ગામે કામ કરતાં હતાં તે વાડીએ જતો રહેલ હતો.

Previous articleગઢડા ટેમ્પલ બોર્ડની હાઇ વોલ્ટેજ ચૂંટણી પૂર્ણ : દેવપક્ષનાં ૪, આચાર્ય પક્ષનાં ૩ ઉમેદવાર વિજેતા
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSBપરીક્ષાની તૈયારી માટે