જીવનનાં તાણા-વાણા

968

જીવનરૂપી જાળીમાં સુખ-દુઃખ તાણાવાણાની જેમ ગુંથાયેલાં હોય છે. આ બંનેની હાજરી વિના જીવનરૂપી જાળીનું અસ્તિત્વ શક્ય નથી. તેથી આપણે ત્રાજવું લઈ બંનેના લેખા-જોખા કરતાં રહી જીવનરૂપી ગાડીમાં યાત્રા કરતાં રહેવું જોઈએ. તેમજ સંગીતનાં પંચમના નાદની જેમ અવિચળ રહી જીવનને મધુર બનાવવું જોઈએ. જીવન પંચમનો નાદ જીવનને સજાવે છે, તેને નવી ઊંચાઈ આપે છે. ઘણી વેળા આપણે સ્થૂળ સુખ સગવડ અને સંપત્તિમાં ખોવાઈ જાઈએ છીએ. સૂક્ષ્મ દૃશ્યો નિહાળવા આપણે માઈક્રોમીટર જેવા અનેક ઉપકરણોનો ઉપયોગ કરીએ છીએ પણ ભીતરના ભેરુને પડતી અગવડ કે તેને નડતી સમસ્યાઓ પ્રત્યે જાગૃત નથી. કોણ જાણે આપણે આધ્યાત્મિક બાબતોથી શા માટે દૂર ભાગતા રહીએ છીએ? ખેર જવા દો આ બધી અટપટી વાતો. હું તો આપ સૌને એટલું જ કહેવા માગું છું.

‘કોમ-કોમના એક જ ધરતીના આપણ ભારુ, શાને રક્ત રેલાય છે?

પાંદડિયો પુષ્પતણી ખીલ્યા વિના જ કરમાય છે.’

જીવનના કેટલાક રહસ્યો વિશે હું પડદો ખોલવા માંગું છું.

જીવાત્માની સફર કોઈ ચોક્કસ હેતુસર આ સંસારમાં થતી હોય છે. આ સંસારનો ઉદ્ભવ બ્રહ્માંડના દિવસ દરમિયાન થાય છે. આ દિવસનો સમયગાળો લગભગ એક હજાર યુગનો હોય છે. જેમાં પ્રત્યેક જીવાત્માએ લખચોરાશી યોનિમાં ભટકવું પડે છે. જે રીતે આપણે સંસારનો દિવસ થતા કામ-ધંધાર્થે રજળપાટ કરીએ છીએ. આપણો હેતુ આપણું અને આપણા પરિવારની સુખ-સાયબી તેમજ તેના ભરણ પોષણનો હોય છે, જે કામ પણ આપણે સુપેરે પાર પાડીએ છીએ. અન્ય પ્રાણીઓને પણ ઈશ્વર આ કામમાં મદદ કરતો હોય છે. પણ માણસ પોતે જે સફળતા મેળવે છે, તેનો યશ પોતે જ લેવા માગે છે. કોઈ પણ કારણોસર તે નિષ્ફળ નીવડે તો હતાશ અને નિરાશ થઈ દુઃખી દુઃખી થઈ જાય છે. હકીકતમાં તો માણસે તેનું પાત્ર સંસાર ભૂમિ પર ભજવી બતાવાનું હોય છે. ઈશ્વર દ્વારા મુકાયેલી મર્યાદાઓથી ચલિત થયા વિના સત્યના માર્ગે મંજીલ કાપતા-કાપતા આગળ ને આગળ ધપતાં રહેવાનું હોય છે. પણ એક વાત યાદ રાખવા જેવી છે. શરીરને સુદૃઢ બનાવવા કસરત કરવી પડે છે. તેમ મોક્ષયાત્રાના માર્ગે આગળ ધપવા પ્રત્યેક આત્માએ શરીરની સગવડ સાચવવા, અસત્યો આચરવાના બદલે અન્યના કલ્યાણ માટે કામ કરવા આગળ આવવું જોઈએ. મહાભારતના યુદ્ધમાં ડરી ગયેલા અર્જુનને ઉદ્દેશીને ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હતુ કે- ‘હે…અર્જુન, હે… ધનંજય! તું તારું કર્મ કર. તારે ડરવાની જરૂર નથી કારણ કે આ બધા જ લોકો ખરેખર તો મૃત્યુ પામેલા જ છે. માટે તું તારું કર્મ બજાવ. કર્મ નહિ કરીને તું દૂરગતિને પામીશ. તું કાયર કહેવાઈશ. તને લોકો ધિક્કારશે. માટે તું તારું કર્મ કર.’ આ કર્મનિષ્ઠાનાં કારણે અર્જુનને આજે પણ આપણે યાદ કરીએ છીએ. કોઈ પણ વ્યક્તિ પોતાના કર્મની શક્તિ વડે ઊર્જાવાન બની તેના મોક્ષમાર્ગની  યાત્રા સફળતાપૂર્વક પાર પાડી શકે છે.

વર્ષ ૨૦૧૩ ના સપ્ટેમ્બર માસનું આ બીજું પ્રદર્શન હતુ. શાળા-કૉલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઊમટી રહ્યા હતા. ત્રણ દિવસના આ પ્રદર્શનનું શીર્ષક પસંદ કર્યું હતું. ‘ચાલો, બતાવું મારી આંખ વિનાની દુનિયા.’ આંખ વિનાની અમારી આ દુનિયા જોવા લોકોના ટોળે-ટોળા ઉમટી પડ્યા હતા. પ્રદર્શનના બીજા દિવસે ‘દિવ્ય દૃષ્ટિનાં કલા સાગરમાં ડૂબકી’ સાંસ્ક?તિક કાર્યક્રમ સાંજના ૭ થી ૯ રાખવામાં આવ્યો હતો. એલ. ઈ. ડી. પર પણ કાર્યક્રમ જોઈ શકાય તેવી સગવડ રાખવામાં આવી હતી. આ કાર્યક્રમની ઉદ્ઘોષણા મારા ગુરુજી અને સમગ્ર પ્રજ્ઞાલોકની શાન કહી શકાય તેવા જ્ઞાનગંગોત્રી સમા શ્રી જસુભાઈ કવિ કરી રહ્યા હતા. આ વાત યાદ આવતા મારા હોઠે પંક્તિઓ સળવળે છે.

‘શબ્દની વરસી ગઈ વાદળી, ભીતરમાં ભીંજાણી કાંબળી.

લાગણીની નદીમાં વહેતી થઈ નાવડી,

છબછબિયા કરે ભાઈ ગોકુલની ગાવડી.’

કયા શબ્દમાં જસુભાઈ કવિની કાર્યક્રમની ઉદ્ઘોષણાની આપ સૌને નોંધ આપુ! શાળાના પટ્ટાંગણમાં કીડિયારાની જેમ ઊભરાયેલા લોકો મંત્રમુગ્ધ થયા હતા. પ્રજ્ઞાલોકના બાળકોની પ્રસ્તુતિ લાજવાબ હતી. લોકો તેને ચિચિયારીઓ પાડી આવકારી રહ્યા હતા. ખરા અર્થમાં આવેલા લોકોએ દિવ્ય દૃષ્ટિનાં કલાસાગરમાં સંવેદનાનું કીંમતી મોતી શોધી લાવવા ડૂબકી લગાવી હતી. ‘પગરવ’ નાટકના માધ્યમથી શાળાનો પરિચય તેના ઇતિહાસ સાથે રજૂ કરવામાં આવ્યો હતો. જસુભાઈ કવિના પ્રત્યેક શબ્દો આ ઉપક્રમને શોભાવતા હતા. બીજી તરફ મારા શરીરને તાવે બાનમાં લઈ મને આકુલ-વ્યાકુળ કરી દીધો હતો. મેડિકલમાંથી ચિલાચાલુ તાવની ગોળીઓ મંગાવી, હું કર્મનિષ્ઠાના મોર્ચે મારી લડાઈ લડી રહ્યો હતો. કારણ હું જાણુ છું કે વિપરિત સંજોગોમાં જે મેદાન છોડી ભાગે છે તેને કદી મુક્તિ મળતી નથી. મોક્ષમાર્ગની સફળ યાત્રા કરવા જીવનમાં આવતા વિપરિત સંજોગોનો સામનો કરી કર્મ કરતા રહેવું જોઈએ. યુદ્ધના મેદાનમાં લડવા ગયેલા અર્જુનને તેના જ સગાસંબંધીઓ સામે હથિયાર ચલાવાના હતા. સત્ય માટે અનિચ્છાએ પણ રાજ મેળવવા પાંડવોને જીત અપાવવા લોહીલૂહાણ યુદ્ધ ખેલવાનું હતું. તો પછી હું તાવથી હારી શી રીતે જવાબદારીઓથી વિમુખ થઈ શકુ? શરીર ખાતર જે જવાબદરીઓથી ભાગે છે. તેને તો મુઆ પછી પણ છુટકારો મળતો નથી. આપણે જેટલા અધિકારો પ્રત્યે જાગૃત રહેતા હોઈએ છીએ, તેટલા ભાગ્યે જ ફરજ પ્રત્યે તત્પર રહેતા હોઈએ છીએ. કારણ આપણને પરલોકની બિલકુલ ખબર નથી. જે રીતે પરીક્ષાર્થી સારું પેપર લખવા ચબરખી અથવા પૈસાના જોરે પેપર ફોડાવી ઉત્તમ ઉત્તરવહી તૈયાર કરવા યત્નશીલ રહે છે. તેમ આપણે પણ જીવનમાં સુખ મેળવવા અસત્યના જોરે સંપત્તિ ભેગી કરવા અવનવા નુસ્ખા કરીએ છીએ. પણ આખરે મૂલ્યવાન માનવ જીવન ગુમાવીએ છીએ. અંતે જ્યારે તેના લેખાજોખા થાય છે ત્યારે માપદંડનાં મૂલ્યાંકનનું જીવનરૂપી ત્રાજવું નિષ્ફળતાના વજન સામે ટકી શકતું નથી. અંતે જીવાત્માને પોતાનું માનવજીવન એળે જવાનો ખ્યાલ આવે છે. ‘કભી પ્યાસે કો પાની પીલાયા નહિ, ફીર અમ?ત પીલાને સે ક્યાં ફાયદા’ માણસ પોતાની મળેલી જિંદગીમાં કોઈનું હિત કરવા અન્યના કલ્યાણનું એક પણ સારું કામ કરવા યત્ન સુધ્ધાં ન કરે તો મૂલ્યવાન માનવ અવતારનો શો ફાયદો? જીવાત્માને મોક્ષમાર્ગની યાત્રામાં માનવદેહ કોઈ પૂંજી આપી શકે નહિ તેવા માનવ જીવનનો શો મતલબ! મને આ વિચારો કોરી ખાય છે. ૨૦૧૩ ની જીવલેણ બીમારીમાં પટકાયો ત્યારે જીવનના લેખા-જોખા કરવાની ઈશ્વરે મને મહામૂલી તક આપી. આ સમયે ઘણા દિવસો સુધી હું લગભગ બેભાન અવસ્થામાં જ રહેતો હતો. ડૉક્ટર ગુરુમુખાણી આવીને મને પૂછતા, લાભુભાઈ શું જમ્યા? મને કશુએ યાદ આવતું નહિ. તેઓ વળી પૂછેઃ ‘આજે ક્યો વાર છે? આજે કઈ તારીખ છે?’ કશી ગતાગમ પડે નહિ. મનમાં થાય પણ ખરું. આ અહીંથી જાય તો સારું. મને શાંતિ લેવા દે તો સારું. પણ મારે કબૂલવું જોઈએ, આ સમય મારા આત્મદર્શનનો હતો. શાળાની ચિંતા પણ સતાવતી હતી. જ્ઞાનના પડળ પર મુકાયેલો પથ્થર ઊચકાઈ રહ્યો હતો. અંતરમાં એક તોફાન ચાલતું હતું. જિંદગીમાં શું કમાયો? મને ઇશ્વરે જે કામ સોંપી અહીં મોકલ્યો હતો તે કામ હું પારપાડી શક્યો છું? મિત્રો, ઉત્તર નકારમાં મળતો હતો. દિલથી કરેલી પ્રાર્થનાએ ઇશ્વરને પણ રીજવ્યો. પરિણામે જિંદગીની મુદત લંબાવી દેવામાં આવી (લાયસન્સ રિન્યુ.) આમાં મારી એકલાની પીપુડીનું શું ગજુ..! આ પ્રાર્થના તો મારા અનેક બંધુઓ અને ભગિનીઓની હતી. માંદગીમાં રાહત થતા જ કામ ઉપાડી લીધું. આજે પણ આ આખો ઉપક્રમ જીવન સાથે વણાય ધબકી રહ્યો છે. શરીર સાથ આપે ત્યાં સુધી કામ કરતો રહું છું. મને પણ તેમ કરવામાં આનંદ મળે છે.

હું નમ્રભાવે સ્વીકારું છું.

‘જિંદગી નથી જૂતાઓની જોડ, કે માટી મહીં ઘસી નખાય,

જિંદગી તો છે ચોરંગી ચોપાટ, મળી બાજી જીતી જવાય.’

તારીખ ૨૭-૪-૨૦૧૯ ને શનિવારના રોજ ‘જીવનનો ધબકાર-મારી સ્મરણયાત્રા’ રાજ્ય પારિતોષિક સ્પર્ધાના રાજ્યભરમાંથી પધારેલા સ્પર્ધક મિત્રોને મળવાનું થયું ત્યારે હું કચ્છમાંથી આવેલી ધોરણ-૧૧ માં અભ્યાસ કરતી મજેઠિયા આશ્વિ ધીરેનભાઈ નામની દિકરીને મળ્યો ત્યારે મારી ખુશીનો પાર ન રહ્યો. તે જીવનનો ધબકાર પુસ્તકના પ્રસંગો વિશે જે છણાવટ કરતી હતી તે સાંભળી હું અવાક્‌ થઈ ગયો હતો. દીકરીની ઉંમર કરતા વિચારોની ઊંચાઈ ક્યાંય વધુ દેખાતી હતી. ઘણા સ્પર્ધકોની મહેનત દેખાતી હતી. પણ કચ્છથી આવેલી આ દીકરી આશ્વીનું ચિંતન અને મનન ખૂબ મોટા ચિંતકોને પણ પરાસ્ત કરી મૂંડી ખંજવાળતા કરી દે તેવું હતું. સ્પર્ધામાં ભલે તે પારિતોષિકને પાત્ર નથી ઠરી પણ જિંદગીની બાજી જીતી લેવા સજ્જ તો જરૂર બની છે. દીકરીને મારા ખૂબ-ખૂબ અભિનંદન.

છેલ્લા ઘણા વર્ષોથી વિકલાંગોના શિક્ષણ, રોજગાર, તાલીમ અને તેના પુનઃ સ્થાપનના કાર્યને આગળ ધપાવા સંવેદનશીલ કર્મવીરો મળતા નથી. સરકારની ભરતી માટેની નીતિ પણ તેમા જવાબદાર છે. કારણ કે વધુ ગુણાંક લાવનાર દરેક વિદ્યાર્થી સંવેદનશીલ હોય શકે નહિ. નોકરીના ભાવથી જોડાયેલો કોઈ પણ માણસ પડકારો સામે ઝઝૂમી કામ કરવા તૈયાર થતો નથી. ફરજના કલાકો પૂરા થવાની રાહ જોતા કર્મચારી કેવી રીતે બાળકના શિક્ષણ અને તાલીમના કાર્યમાં ઓતપ્રોત થઈ શકે? તેથી સાચા સંવેદનશીલ માણસની શોધ કરવા અને સાંચા માનવધનને ઉગાડવા આ રાજ્ય પારિતોષિક સ્પર્ધાનું આયોજન કર્યું હતું.  સફળ રહેવાનો મને આનંદ પણ છે. મિત્રો આ વાત એક મુક્તકમાં કહીશ : ‘કોણ કહે છે અંધાપો છે જીવનનો અંધકાર, ખરું પૂછો તો એ તો છે જીવનનો પડકાર.’ આ સ્પર્ધાના વિજેતા લોકોની યાદી જ્યારે જાહેર કરવામાં આવી ત્યારે મારી ખુશી ચરમસીમા વટાવી ગઈ. કારણ કે વિજેતાઓની યાદી જોતા જ દરેક વર્ગના લોકો તેમા જોવા મળ્યા હતા. નિર્ણાયકોનું તટસ્થ મૂલ્યાંકન તેનો ખરો યશ લઈ જાય છે. વિજેતા સ્પર્ધકોનાં દિલમાં સંવેદના સંચિત બને તેવા હેતુથી સમારંભમાં ‘સંવેદનાની શોધ’ પુસ્તકનું વિમોચન જાણીતા કવિશ્રી કૃષ્ણ દવેએ કર્યું હતું. વર્તમાન સમાજની વિચારધારામાં મનુષ્ય-મનુષ્ય પ્રત્યેની સંવેદનાની  ઊણપ વર્તાય રહી છે ત્યારે આ પુસ્તક મેં આપણી આજુબાજુ વિખરાયેલા અને જલ્દી નજરમાં ન આવે તેવી માનવ સંવેદનાનાં સુગંધિત પુષ્પોને ચૂંટી કાઢી સમાજ સમક્ષ મૂકવાનો પ્રયાસ કર્યો છે.

જેને વાચકમિત્રનો આવકાર મળશે, તેવી મને શ્રદ્ધા છે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSBપરીક્ષાની તૈયારી માટે
Next articleભગવાન પરશુરામના પ્રાગટ્ય દિનની પૂર્વ સંઘ્યાએ તેમનાં પ્રાગટ્યની કથા