ભાવનગર જિલ્લાના તળાજા માર્કેટીંગ યાર્ડ ખાતે ગત તા.૧૪ એપ્રિલના રોજ તૂવેરની ખરીદી કરાઇ હતી. જેના સેમ્પલ ૨૧ દિવસ બાદ લેવાતા પ્રદેશ કિસાન કોંગ્રેસ દ્વારા તળાજામાં ટેકાના ભાવે ખરીદાયેલી તૂવેરમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદાર સામે પગલાં લેવાની માંગ કરતું આવેદનપત્ર આજે કલેકટર કચેરી ખાતે અપાયું હતું.
તળાજા માર્કેટીંગ યાર્ડમાં તા.૧૪ એપ્રિલે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે તૂવેરની ખરીદી કરવામાં આવી હતી. જેના સેમ્પલ ગત રવિવારે એટલે કે ૨૧ દિવસ બાદ સીલ કરવામાં આવતા તૂવેર મુદ્દે ગેરરિતી થઇ હોવાના ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા. આક્ષેપોમાં ખેડૂત આગેવાનોએ જણાવ્યું હતું કે ખરીદી કરતા પહેલા ખેડૂતના તૂવેરના જથ્થામાંથી સેમ્પલ લેવાનું હોય છે અને અલગ અલગ છ પેરામીટર નક્કી કરેલા છે જે ખેડૂતનું સેમ્પલ મંજુર થયા પછી જ ખરીદી કરવાની હોય છે. સેમ્પલ થઇ ગયા બાદ તેને સીલ કરી સાચવી રાખવાનું હોય છે. ઉપરાંત ભાવનગર જિલ્લાના વાવેતર મુજબ ૪૦૦૩ ક્વિનટલ તૂવેરની ખરીદી થવી જોઇએ તેને બદલે ૭૭૩૬ ક્વિન્ટલ ખરીદાયેલ છે. વધારાની ખરીદી ક્યાંથી કરાઇ તે સહિતના મુદ્દે પ્રદેશ કિસાન કોંગ્રેસના આગેવાનો પાલભાઇ આંબલીયા, હર્ષદભાઇ નાવડા, ભીખાભાઇ જાજડીયા, મિલન કુવાડીયા, સહિતે કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપી યોગ્ય પગલાં લેવા માંગણી કરી હતી.