ક્ષેત્રિય પ્રચાર મંત્રાલય- ભારત સરકાર દ્વારા પાલિતાણા તાલુકાના જામવાળી-૧ મુકામે સ્વચ્છ ભારત અભિયાન અને બેટી બચાવો અભિયાનનો એક કાર્યક્રમ યોજાયો હતો. કેન્દ્ર સરકાર અને રાજય સરકારની વિવિધ યોજનાઓ જન સંપર્ક અભિયાન દ્વારા ગામડે-ગામડે જાણકારી પહોંચે અને ગ્રામ્ય જીવન ઉત્તમ બનાવી શકાય તેવો અનન્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં આઈટીઆઈના કોર્સ અને આવનારા સમયની માંગ અને જરૂરિયાત સંબંધે આઈટીઆઈ સીનીયર ઈન્સ્ટ્રકટર ગુજરાતીએ શિક્ષણ વિભાગની સરકારી યોજનાઓ અને સાહસો વિશે પાલિતાણા બીઆરસી હાર્દિકભાઈ ગોહેલે, ડીજીટલ ઈન્ડિયા અને બેંકના લાભોની માહિતી દેનાબેંકના મેનેજરે આપી હતી. જયારે સુલભ શૌચાલય અને પ્રધાનમંત્રી આવાસ યોજના વિશે પાલિતાણા ટીડીઓ બાથાણીએ માહિતી આપી હતી. આ ઉપરાંત આઈસીડીએસ, આઈ.ટી.આઈ., આરોગ્ય સમિતિ, બકીંગ એજયુકેશનને લગતી યોજનાના સ્ટોલ પણ ઉભા કરવામાં આવ્યા હતાં. આ કાર્યક્રમ ભાવનગર-બોટાદના સાંસદ ડો.ભારતીબેન શિયાળની ખાસ ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ સિહોરા, ભાજપ શહેર પ્રમુખ નિતિનભાઈ ચૌહાણ, તળાજા માર્કેટીંગ યાર્ડના ડાયરેકટર ધીરૂભાઈ શિયાળ, વિવિધ વિભાગના અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતાં.