ઉનાળું વાવેતર વિસ્તારમાં ધરખમ ઘટાડો,૩૫ હજારના બદલે ફક્ત ૨૬ હજાર હેક્ટરમાં વાવેતર કરાયું

711

આ વખતે પુરતા પ્રમાણમાં વરસાદ નહીં પડવાને કારણે તેની સીધી અસર ખરીફ સિઝનના વાવેતર વિસ્તાર ઉપર પડી હતી અને ૬૦ હજાર હેક્ટર વિસ્તારનો ઘટાડો થયો હતો તો રવિપાકમાં પણ ઘટાડો થવાની શક્યતા હતી પરંતુ વાતાવરણ સાનુકુળ રહેવાને કારણે રવિપાકનું ૭૧ હજાર હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું હતું પરંતુ ઉનાળાની સિઝનમાં શરૂઆતના દિવસોથી જ આકરી ગરમી પડવાને કારણે તેમજ પાણીની તંગી હોવાને પગલે જિલ્લામાં વાવેતર વિસ્તાર ઘટયો છે.

સામાન્યરીતે ૩૫ હજાર હેક્ટરમાં ઉનાળું વાવેતર થાય છે ત્યારે આ વખતે વિવિધ પાકનું ફક્ત ૨૬ હજાર હેક્ટરમાં જ વાવેતર કરવામાં આવ્યું છે.

આ વખતે સમગ્ર ગુજરાતમાં ચોમાસું મોળુ ગયું છે. જેની સીધી અસર ચાલુ વર્ષે તમામ સિઝનના પાક ઉપર વર્તાઇ રહી છે ગાંધીનગર જિલ્લાની વાત કરીએ તો ચોમાસા દરમિયાન ૪૦ થી ૪૫ ટકા વરસાદ પડયો હતો અને જિલ્લાના દહેગામ સિવાયના ત્રણ તાલુકાઓને અછતગ્રસ્તની યાદીમાં પણ સમાવવા પડયા હતા.વરસાદને અભાવે વાવેતર વિસ્તારમાં ૬૦ હજાર હેક્ટરનો ધરખમ ઘટાડો નોંધાયો હતો.

તો ત્યારબાદ રવિ સીઝનમાં પણ વરસાદની અછત નડશે તેમ લાગતું હતું પરંતુ બટાકા અને ઘઉં ઉપરાંત કઠોળનું વાવેતર આ સિઝનમાં વધ્યું હતું અને વાવેતર વિસ્તાર ૭૧ હજારથી પણ વધારે થઇ ગયો હતો. ત્યારે ઉનાળાની સિઝન શરૂ થાય તે પહેલા જ સમગ્ર રાજ્યમાં પાણીની તંગીના સમાચાર વહેતા થયા હતા જેના કારણે ખેડૂતોના જીવ તાળવે ચોંટયા હતા અને જિલ્લાના ઘણા ખેડૂતોએ આ સિઝનમાં વાવેતર કરવાનું ટાળ્યું હતું.

ઉનાળામાં સામાન્યરીતે ગાંધીનગર જિલ્લામાં બાજરી, શાકભાજી અને ઘાસચારા સહિતના અન્ય પાકો મળીને કુલ ૩૫ હજાર હેક્ટરમાં વાવેતર થાય છે પરંતુ આ વખતે પાણીની તંગીની અસર ખેડૂતોએ વહેલી જ અનુભવી લીધી છે અને આ અનુભવને લઇને તેમજ નિષ્ણાંતોના સલાહ મુજબ ઉનાળુ વાવેતર આછું કરવામાં આવ્યું હતું. ઉનાળાના શરૂઆતના દિવસોથીં જ આકરી ગરમી અને પાણીની તંગીને લઇને ઘણા ખેડૂતોએ આ વખતે ઉનાળુ વાવેતર ટાળ્યું હતું.જેના કારણે વાવેતર વિસ્તાર ઘટયો છે અને ૩૫ હજારના બદલે ૨૬ હજાર હેક્ટર સુધી જ વાવેતર પહોંચ્યું છે.જેમાં ૧૬ હજાર હેક્ટરમાં ઘાસચારો જ્યારે સાડા ચાર હજાર હેક્ટરમાં શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત બાજરીનું પાંચ હજાર હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. ટકાની દ્રષ્ટીએ જોવા જઇએ તો ગાંધીનગર જિલ્લામાં સામાન્ય કરતા ૨૬ ટકા વાવેતર ઘટયું છે જે નોંધનીય બાબત છે.

Previous articleસેંસેક્સ વધુ ૪૮૮ પોઈન્ટ ગગડીને બંધ
Next articleએક તરફ પાણીની તંગી તો બીજી તરફ વેડફાટ : હજારો લીટર પાણી વેડફાયું