ગાંધીનગરના દહેગામના નાંદોલ ગામે એક ફૂડપોઇઝિંગની ઘટના સામે આવી છે. એક સાથે ૨૦૦ લોકોને ફૂડપોઇઝિંગની અસર થતાં ગામમાં અફડાતફડી નો માહોલ સર્જાયો હતો.
આ ઘટનાના સમાચાર મળતા ગાંધીનગર અને દહેગામ આરોગ્ય વિભાગ દોડતું થઇ ગયું હતું અને તમામ ૨૦૦ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી સારવાર આપવામાં આવી હતી.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના નાંદોલ ગામ ખાતે બે દિવસ પહેલા ગામમાં બે જમણવાર હતા. ગામના બે પ્રસંગમાં આખા ગામના લોકો જમવા માટે આવ્યા હતા. લોકો જમીને પોતાના ઘરે પણ જતા રહ્યા હતા, ત્યારે અચાનક એક પછી એક ૨૦૦ લોકોની તબિયત લથડી હતી.
ગામના બે પ્રસંગમાં જમ્યા પછી આજરોજ ઝાડા ઉલટીના ૨૦૦થી વધુ કેસ નોંધાયા હતા. એક સાથે ગામમાંથી ૨૦૦ લોકોને ઝાડા ઉલ્ટીના કેસો સામે આવતા ગામમાં માહોલ ગરમાયો હતો. આ ઘટનાની જાણ તાત્કાલિક ગાંધીનગર અને દહેગામ આરોગ્ય વિભાગને કરવામાં આવી હતી.
ત્યારબાદ આરોગ્ય વિભાગની ટીમો યુદ્ધના ધોરણે ગામમાં પહોંચીને પ્રાથમિક અહેવાલ પ્રાપ્ત કર્યો હતો. જેમાં તમામ લોકોને ફૂડપોઇઝિંગની અસર થઇ હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ આરોગ્ય વિભાગે તમામ લોકોને સિવિલ હોસ્પિટલમાં ખસેડીને પ્રાથમિક સારવાર ઉપલબ્ધ કરાવી હતી.
આ સિવાય ગાંધીનગર જિલ્લાના આરોગ્ય અધિકારી તેમજ દહેગામ તાલુકાના આરોગ્ય વિભાગની ટીમ નાંદોલ ગામે પહોંચીને દર્દીઓને ઓપીડી સારવાર આપી હતી.