ઉત્તરાખંડમાં લગભગ છ મહિના સુધી બરફથી ઢંકાયેલ રહ્યા બાદ કેદારનાથ મંદિરનાં કપાટ આજે હર હર મહાદેવના જયઘોષ અને વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે સવારે પ.૩પ મિનિટે સામાન્ય ભક્તો અને અનુયાયીઓનાં દર્શનાર્થે ખોલવામાં આવ્યાં હતાં. સવારે વિધિ-વિધાન અને મંત્રોચ્ચાર સાથે ભગવાન કેદારનાથનાં દ્વાર દેશ-વિદેશના શ્રદ્ધાળુ ભક્તોનાં દર્શન માટે ખુલ્લા મૂકવામાં આવ્યાં હતાં.
કેદારનાથ મંદિર સંકુલને સેંકડો ક્વિન્ટલ ફૂલથી શણગારવામાં આવ્યું હતું.
આજથી શરૂ થયેલ ભગવાન કેદારનાથનાં દર્શન આગામી છ મહિના સુધી ચાલુ રહેશે. કેદારનાથ ૧ર જ્યોતિર્લિંગમાંનું એક છે, જ્યાં પૂજાનું ખાસ મહત્ત્વ હોય છે. ઉત્તરાખંડ સરકારે કેદારનાથમાં દર્શન માટે ખાસ વ્યવસ્થા કરી છે. ફેબ્રુઆરીમાં થયેલ ભારે હિમવર્ષા અને હિમપ્રપાતને લઇ મંદિર સંપૂર્ણપણે બરફથી ઢંકાઇ ગયું હતું.
વહેલી સવારે ૪-૦૦ વાગ્યાથી જ કેદારનાથ મંદિરનાં કપાટ ખોલવાની તૈયારી મંદિર સમિતિ દ્વારા કરવામાં આવી હતી. બાબા કેદારની ઉત્સવ ડોલીને મુખ્ય પૂજારી કેદારલિંગ દ્વારા ભોગ ધરાવ્યા બાદ નિત્ય પૂજા કરવામાં આવી હતી.
પ-૧પ કલાકે સીલબંધ કપાટ ખોલ્યાં બાદ ડોલીએ મંદિરમાં સૌપ્રથમ પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ પૂજારીઓ અને વેદપાઠીઓએ ગર્ભગૃહમાં સાફસફાઇ કરીને ભોગ ધર્યો હતો. મંદિરની અંદર પૂજા-અર્ચના કરવામાં આવી હતી. બરાબર ૬-૦૦ વાગ્યે મુખ્ય કપાટ ભકતોનાં દર્શનાર્થે ખોલવામાં આવ્યાં હતાં.