વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વર્ગસ્થ વડાપ્રધાન રાજીવ ગાંધીને ભ્રષ્ટાચારી નંબર વન વાળી ટિપ્પણી બાદ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે શાબ્દિક યુદ્ધ વધુ તીવ્ર બની ગયું છે. હરિયાણાના સીરસામાં ચુંટણી રેલી દરમિયાન કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે ફરી એકવાર મોદી પર પ્રહાર કર્યા હતા. પોતાના પિતા રાજીવ ગાંધી પર મોદીના નિવેદન પર વળતા પ્રહાર કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મોદીને રાજીવ ગાંધીની વાત કરવી જોઈએ પરંતુ સાથે સાથે રાફેલ મામલામાં પણ શું થયું છે તે અંગે પણ વાત કરવી જોઈએ. ભાજપ પણ આ મુદ્દે આક્ષેપોને લઈને આક્રમક વલણ અપનાવી રહ્યું છે. કેન્દ્રિય સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારામને પ્રહાર કરતા કહ્યું છે કે રાજીવ ગાંધી આ દેશના વડાપ્રધાન હતા. અમે તમામ જાણીએ છીએ. કમનસીબે તેમની હત્યા કરવામાં આવી હતી. આનો મતલબ એ નથી કે અમે તેમના ભ્રષ્ટાચારના મુદ્દા ઉપર કોઈ વાત ન કરીએ. આજે સીરસામાં મોદી પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ તેમના વચનોને લઈને મોદી પર પ્રહાર કર્યા હતા.
અને કહ્યું હતું કે રાજીવ ગાંધીના વિષય પર વાત કરવી છે તો ચોક્કસપણે કરો પરંતુ રાફેલ અને બે કરોડ રોજગારી આપવાના મુદ્દા ઉપર પણ વાત કરવી જોઈએ. યુવાનોને બતાવવું જોઈએ કે બે કરોડ લોકોને રોજગાર આપવાના વચનનું શું થયું. અનિલ અંબાણી અને ફરાર ઉદ્યોગપતિઓના બહાને રાહુલે ફરી એકવાર મોદી પર પ્રહાર કર્યા હતા. રાહુલે કહ્યું હતું કે મોદી માત્ર અનિલ અંબાણી અને નિરવ મોદી જેવા ૧૫ ઉદ્યોગપતિઓ માટે કામ કરે છે.
આ લોકોને જ આગળ લઈ જવા માંગે છે. તેમને ગરીબો સાથે કોઈ લેવા દેવા નથી. અમીરોને પૈસા વહેંચવામાં મોદી માને છે પરંતુ અમે ગરીબોને પૈસા વહેંચવામાં માનીએ છીએ. ખેડુતોથી કરવામાં આવેલા વચનની યાદ અપાવતા રાહુલે કહ્યું હતું કે ૧૫ લાખ આપવાનું વચન આપ્યું હતું પરંતુ મોદી આપી શક્યા નથી પરંતુ તેમની સરકાર ૩.૬૦ લાખ રૂપિયા તેમના ખાતામાં ચોક્કસપણે ઉમરશે. પોતાની ન્યાય યોજનાનો ઉલ્લેખ કરતા રાહુલ કહ્યું હતું કે આ એક એવી યોજના છે જેનાથી ગરીબોને ફાયદો થશે પરંતુ મધ્યમ વર્ગ પર કોઈ બોજ પડશે નહીં. રાહુલે કહ્યું હતું કે આ સંદર્ભમાં ખૂબ વિચારીને આ ક્ષેત્રના કેટલાક દિગ્ગજ લોકો સાથે વાતચીત બાદ નિર્ણય કરાયો છે. રાહુલે એમ પણ કહ્યું હતું કે કોંગ્રેસની સરકાર બની ગયા બાદ દેશમાં બે બજેટ રજુ કરવામાં આવશે. જે પૈકી એક બજેટ સામાન્ય બજેટ અને અન્ય બજેટ ખેડુતો માટે રહેશે.