ધોરણ-૧૨ સાયન્સનું ૭૧.૯૦% પરિણામ

743

જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી તે ગુજરાત રાજયના ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ ૨૦૧૯માં લેવાયેલી ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યુ હતું. વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજે ૭૧.૯૦ ટકા જાહેર કરવામાં આવ્યું હતું. ગયા વર્ષે જાહેર કરવામાં આવેલા પરિણામ પૈકી આ વખતે ઓછું પરિણામ રહ્યું છે. ગયા વખતે ૭૨.૯૯ ટકા પરિણામ રહ્યું હતું. આ વખતે નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ ૭૧.૮૩ ટકા રહ્યું છે. જ્યારે નિયમિત વિદ્યાર્થીનીઓનું પરિણામ ૭૨.૦૧ ટકા રહ્યું છે. વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર ધ્રોલ રહ્યું છે. જેનું પરિણામ ૯૧.૬૦ ટકા રહ્યું છે. જ્યારે ઓછુ પરિણામ ધરાવતું કેન્દ્ર બોડેલી રહ્યું છે. જેનું પરિણામ ૨૭.૧૯ ટકા રહ્યું છે. વધુ પરિણામ જાહેર થયેલા જિલ્લાની વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લાનું પરિણામ સૌથી વધુ ૮૪.૪૭ ટકા રહ્યું છે. આવી જ રીતે ઓછુ પરિણામ ધરાવતો જિલ્લો છોટા ઉદેપુર છે. જ્યાં ટકાવારી ૨૯.૮૧ ટકા રહી છે. આ વખતે ૧૦૦ ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા ૩૫ નોંધાઈ છે. જે માર્ચ ૨૦૧૮માં ૪૨ રહી હતી. ૧૦ ટકા કરતા ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા વર્ષ ૨૦૧૮ની સરખામણીમાં આ વખતે ૪૯ ટકા રહી છે. એ વન ગ્રેડ સાથે પ્રમાણપત્ર મેળવવાને પાત્ર ઉમેદવારોની સંખ્યા ૨૫૪ અને એ-૨ ગ્રેડ સાથે પ્રમાણપત્ર મેળવવાને પાત્ર ઉમેદવારોની સંખ્યા ૩૬૯૦ નોંધાઈ છે. અંગ્રેજી માધ્યમનું પરિણામ ૭૫.૧૩ ટકા રહ્યું છે જે માર્ચ ૨૦૧૮માં ૭૫.૫૮ ટકા રહ્યું હતું. ગુજરાતી માધ્યમના પરિણામ આ વખતે ૭૧.૦૯ ટકા રહ્યું છે. એ ગ્રુપના ઉમેદવારોનું પરિણામ ૭૮.૯૨ ટકા અને બી ગ્રુપનું પરિણામ ૬૭.૨૬ ટકા રહ્યું છે. એબી ગ્રુપના ઉમેદવારોનું પરિણામ ૬૪.૨૯ ટકા રહ્યું છે. ગેરરીતિના કેસોની સંખ્યા ૩૬૫ નોંધાઈ છે. માર્ચ ૨૦૧૮માં ગેરરીતિના કેસોની સંખ્યા ૧૨૦ નોંધાઈ છે.   ગુજરાત રાજયમાં ધોરણ-૧૨ વિજ્ઞાનપ્રવાહ સાથે ફાર્મસી, એન્જીનીયરીંગ સહિતના ઉચ્ચ અભ્યાસક્રમ માટે લેવાયેલી ગુજકેટની પરીક્ષાના પરિણામો પણ આજે જાહેર કરવામાં આવ્યા છે. જેને લઇ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે ઉત્તેજના જોવા મળી હતી. વિદ્યાર્થીઓ અને વાલીઓને ધોરણ-૧૨ વિજ્ઞાનપ્રવાહના પરિણામની માહિતી સવારે આઠ વાગ્યાથી બોર્ડની વેબસાઇટ પરથી મેળવી લેવા માટે કહેવામાં આવ્યું હતું. આ વખતે ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા ૧૩૯ કેન્દ્રો પરથી લેવામાં આવી હતી.

ઉપસ્થિત નિયમિત વિદ્યાર્થીઓની સંખ્યા ૧૨૩૮૬૦ રહી હતી. આવી જ રીતે પ્રમાણપત્રને પાત્ર નિયમિત ઉમેદવારોની સંખ્યા ૮૯૦૬૦ રહી હતી. ઉપસ્થિત પુનરાવર્તિત ઉમેદવારોની સંખ્યા ૨૨૯૪૮ રહી હતી. પુનરાવર્તિત ઉમેદવારોના પરિણામની ટકાવારી ૨૫.૨૨ ટકા નોંધાઈ છે. ધો-૧૨ વિજ્ઞાનપ્રવાહની સાથે સાથે ગુજકેટની પરીક્ષાનું પરિણામ પણ જાહેર કરવામાં આવ્યુ હતુ. ગુજકેટનું પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ  વિદ્યાર્થીઓએ ઉપરોકત સમય દરમ્યાન જે તે શાળામાં જરૂરી પુરાવાઓ રજૂ કરી ગુજકેટના પરિણામનું પ્રમાણપત્ર મેળવી લેવા પહોંચી ગયા હતા. દરમ્યાન ગુજરાત બોર્ડ સિવાયના અન્ય વિદ્યાર્થીઓની ગુજકેટની માર્કશીટ ટપાલ દ્વારા મોકલવાનું પણ બોર્ડ દ્વારા આયોજન કરાયું હતું. ગુજકેટની પરીક્ષામાં કુલ ૧,૩૬,૫૧૬ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૮માં ધોરણ-૧૨ વિજ્ઞાનપ્રવાહનું પરિણામ ૭૨.૯૯ ટકા જાહેર થયુ હતું. આ પરિણામ, છેલ્લા પાંચ વર્ષના પરિણામ કરતાં સૌથી ઓછુ પરિણામ હતું. ધોરણ-૧૨ વિજ્ઞાનપ્રવાહના ભાષાના માધ્યમ પ્રમાણે પરિણામ અંતર્ગત ગુજરાતી માધ્યમનું ૭૨.૪૫ ટકા પરિણામ, જયારે અંગ્રેજી માધ્યમનું પરિણામ ૭૫.૭૮ ટકા આવ્યું હતું વિજ્ઞાન પ્રવાહનુ પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ હવે સામાન્ય પ્રવાહનુ પરિણામ પણ જાહેર કરવામાં આવનાર છે. સાથે સાથે ધોરણ-૧૦ના બોર્ડનુ પરિણામ પણ હવે ટુંક સમયમાં જાહેર કરવામાં આવનાર છે. આજે પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ ઉંચા માર્ક  મેળવી લેનાર વિદ્યાર્થીઓ ભારે ઉત્સાહિત અને ખુશ દેખાતા હતા. વાલીઓ પણ ભારે ખુશ નજરે પડ્યા હતા.

ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહમાં નિયમિત નોંધાયેલા ઉમેદવારોની સંખ્યા ૧૨૪૬૯૪ હતી. નિયમિત ઉપસ્થિત રહેલા વિદ્યાર્થીઓની સંખ્યા ૧૨૪૮૬૦ રહી હતી. જ્યારે પાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા ૮૯૦૬૦ રહી છે અને એકંદરે પાસની ટકાવારી ૭૧.૯૦ ટકા રહી છે.

Previous articleશૌચાલયના કૅર ટૅકરના પુત્રએ ધો-૧૨માં ૯૯.૬૦ પર્સેન્ટાઇલ મેળવ્યાં
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે