ગુજરાતમાં પશુપાલન કરતા લોકો અને જૈવ વિવિધતા જાળવવા માટે કામ કરતા લોકો માટે ટુંક સમયમાં જ એક સમાચાર આવશે. ગુજરાતમાં જોવા મળતી દેશી ગાયની વધુ એક જાતને અધિકૃત માન્યતા મળશે અને આ દેશી ગાયનાં લાબાંગાળાનાં સરંક્ષણ માટે નીતિ ઘડવામાં ઉપયોગી થશે.
આણંદ કૃષિ યુનિવર્સિટીનાં વૈજ્ઞાનિકોએ થોડા મહિનાઓ પહેલા જ ગુજરાતનાં આદિવાસી વિસ્તારોમાં જોવા મળતી દેશી ગાયની જાત ‘ડગરી ગાય’ વિશેની માહિતી વૈજ્ઞાનિક પદ્ધતિથી એકત્ર કરી હતી. આ ડગરી ગાયના લક્ષણો અન્ય ગાયોની સરખામણીમાં અલગ અને તેથી આ ડગરી ગાયને એક અલગ દેશી ગાય તરીકેની વિશેષ અને અધિકૃત ઓળખ મળે તે માટે પ્રયાસો હાથ ધર્યા છે. આણંદ કૃષિ યુનિવર્સિટીનાં પશુ જનીનકીય અને પશુ પ્રજનનશાસ્ત્ર વિભાગ (વેટરનરી કોલેજ)નાં ડો. એ.સી. પટેલ, ડો. આર.એસ. જોષી, અને ડો. ડી.એન. રાંકનાં જણાવ્યા અનુસાર, ગુજરાતમાં ઓછી જાણીતી ઘરેલું પશુધનની ઓળખ અને લાક્ષણિક્તા પર ગુજરાત સરકારની પહેલ પર ૨૦૧૫-૧૬માં સહજીવ ટ્રસ્ટ (ભુજ) અને વેટરનરી કોલેજ (આણંદ કૃષિ યુનિવર્સિટી) દ્વારા સયુંક્તપણે પશુધનની અપરિચિત નસ્લોનું આનુંવંશિક અને બાહ્ય લાક્ષણિક્તાનું માલેખન હાથ ધરવામાં આવ્યું હતું અને રાજ્યનાં પશુપાલન વિભાગ મારફત નવી નસ્લોની માન્યતા માટે કરનાલ ખાતે આવેલી નેશનલ બ્યુરો ઓફ એનિમલ જિનેટીક્સ રિસોર્સીસને દરખાસ્તો કરવામાં આવી હતી. આ જ કાર્ય અતંર્ગત ડગરી ગાયને અલગ માન્યતા મળે તે માટે પ્રપોઝલ મોકલી દેવામાં આવી હતી.