વીએસ હોસ્પિટલમાં મૃતદેહની અદલા-બદલીઃ સર્વન્ટની ભૂલના કારણે બનાવ બન્યો

586

વીએસ હોસ્પિટલમાં મુસ્લિમ ગર્ભવતી મહિલા સાથે હિન્દુ યુવતીના મૃતદેહની અદલા-બદલીના વિવાદમાં વધુ એક વળાંક આવ્યો છે. બે દિવસ સુધી આ પ્રકરણમાં વીએસ હોસ્પિટલના તંત્રનો કોઈ વાંક ન હોવાનું ગાણું ગાનારા સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. મનીષ પટેલે શનિવારે આ મામલે તપાસ કમિટીની રચનાની જાહેરાત કરી છે. તેમણે એમ પણ કહ્યું છે કે, આ છબરડા માટે હોસ્પિટલના સર્વન્ટની ભૂલ છે અને હાલ તેને ફરજ પરથી બરતરફ કરવામાં આવ્યો છે. મિતલ જાદવની ડેડબોડી પોલીસ અને તેના પરિવારજનોએ વેરિફાય કરી ત્યારપછી જ સોંપાઈ હતી. આમ છતાં તપાસ કમિટીનો જે પણ રિપોર્ટ આવશે તેના આધારે પગલાં લેવામાં આવશે.

વીએસ હોસ્પિટલમાં મુસ્લિમ ગર્ભવતી મહિલા સાથે હિન્દુ યુવતીના મૃતદેહની અદલા-બદલીનો વિવાદ બીજા દિવસે પણ યથાવત રહ્યો છે. બાવળાની મિતલ જાદવ સમજીને ધોલેરા પાસેના ગામમાં દફનવિધિ કરી દેવાયેલા નસરીનના મૃતદેહને કબર ખોદીને ગત મોડી રાત્રિએ વીએસ હોસ્પિટલમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે પરત લવાયો છે. શનિવારે સવારે વીએસ હોસ્પિટલના સત્તાવાળાઓએ બંને મૃતદેહનું પેનલ ડોક્ટર દ્વારા ફરી પોસ્ટ મોર્ટમ કરાયું છે. જો કે, નસરીનના પરિવારજનો ટસથી મસ થઈ રહ્યા નથી અને વીએસ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ સહિતના સત્તાવાળાઓ સામે પોલીસ ફરિયાદ નોંધીને કાર્યવાહી કરવામાં આવે તે માટે તેઓ ઉગ્ર માગણી કરી રહ્યા છે.

Previous articleદારૂ પકડવા ગયેલા PSIને બુટલેગરે કાર નીચે કચડ્‌યો
Next articleપત્રકાર ચિરાગ પટેલના બોડી પર થયો હતો પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ : પીએમ રિપોર્ટ