આગામી ૨ દિવસ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ગુજરાતના દક્ષિણ વિભાગમાં તેમજ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સર્કિય થઈ છે.
જેના કારણે કેટલાક વિસ્તારોમાં ઝાપટાં તો કેટલાક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે. તો આગામી ૪૮ કલાકમાં ૪૦ કિમીની ઝડપે પવન પણ ફુંકાઈ શકે છે. આજે થન્ડર સ્ટોર્મની પણ આગાહી કરવામાં આવી છે.
બનાસકાંઠા, રાજકોટ, કચ્છ, પાટણ, અમરેલી, અરવલ્લી, સાબરકાંઠા અને સુરેન્દ્રનગર જિલ્લામાં તેની અસર થઈ શકે છે. ત્યારે હવામાન વિભાગની આગાહી છતાં રાજકોટમાં ખેડૂતોનો માલ ખુલ્લામાં રખાયો છે. યાર્ડ દ્વારા સૂચના આપવામાં આવી છે કે બહાર માલ ઉતારવો નહીં. યાર્ડમાં છાપરાની ઓછી સુવિધાથી ખેડૂતોએ માલ બહાર રાખવાની ફરજ પડી છે. જો વરસાદ પડે તો મોટા પ્રમાણમાં નુકશાન થવાની ભીતી છે.
રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. કમોસમી વરસાદ આવતા લોકોને ગરમીથી રાહત તો મળી છે. જોકે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. એકાએક વરસાદ આવતા પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. સાબરકાંઠા અને બનાસકાંઠામાં કમોસમી વરસાદ આવતા પાકને નુકસાન થાય તેવી શક્યતા છે.