બેરોજગાર ઉમેદવારોને સરકારી નોકરી અપાવવાના બહાને રૂા.પાંચ કરોડ ઉપરાંતની છેતરપીંડી કરનાર ભાવનગરનાં વતની અને અમરેલીની કોલેજના પ્રોફેસરની ભાવનગર પોલીસે ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
ભાવનગરના વતની અને અમરેલીની કોલેજમાં પ્રોફેસર તરીકે નોકરી કરતાં સંજય ધીરજલાલ દવેએ સિહોર તાલુકાના અગીયાળી ગામમાં રહેતા કૌશિકભાઇ જોશી સહિત એક સો જેટલા બેરોજગાર યુવાનોને સરકારી નોકરી આપવાના બહાને રૂા.૫ કરોડ જેવી રકમ ઉઘરાવી લઇને છેતરપીંડી કરતાં કૌશિકભાઇ જોશીએ ભાવનગરના ઘોઘારોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
આ બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છેતરપીંડી કરનાર પ્રોફેસર સંજય દવેની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહી અંગે ડી.વાય.એસ.પી. એમ.એમ .સૈયદે લોકસંસારને માહિતી આપી હતી. અને તેની સામેની થયેલી ફરિયાદની વધુ તપાસ માટે આજે બી.ડીવીઝન પોલીસે આરોપીના રિમાન્ડ મેળવવા સહિતની કાર્યવાહી હાથ ધરેલ. જેમાં કોર્ટે તા.૧૫ મે સુધીનાં પાંચ દિવસનાં રિમાન્ડ મંજુર કર્યા હતા.