ભાવનગર શહેરના ઘોઘોરોડ વિસ્તારમાં રહેતી સગીરા ઉપર એક સગીર સહિત ચાર શખ્સો દ્વારા કરવામાં આવેલ સામુહિક દુષ્કર્મ મામલે ઘોઘારોડ પોલીસે ગણતરીની કલાકોમાં ચારેય આરોપીઓને ઝડપી લીધા બાદ આજે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ત્રણ આરોપીઓનાં છ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા જ્યારે સગીર આરોપીને ઓબ્ઝર્વેશન હોમમાં મુકવાનો આદેશ કરાયો હતો.
શહેરના ઘોઘારોડ વિસ્તારમાં રહેતી સગીરાને ગત તા.૮ને બુધવારે મોડી સાંજે શહેરના શિવાજીસર્કલ પાસેથી ચાર શખ્સો તેનાં ફઇ અને બાપુજીને મારી નાખવાની ધમકી આપી લઇ ગયા હતા અને રાત્રીના સમયે ગાયત્રીનગર શંકરના મંદિર પાસે પ્રથમ સગીર આરોપીએ ત્યારબાદ નિરવ જયંતિભાઇ શિયાળ (ઉ.વ.૨૪) રહે.ઘોઘા જકાતનાકા, રામાપીરનાં મંદિર પાસે, મનિષ હિંમતભાઇ ઢાપા (ઉ.વ.૧૯) રહે.ઘોઘા જકાતનાકા, મફતનગર તથા પ્રદિપ ઉર્ફે ટ્વીન્કલ કાંતિભાઇ ઢાપા (ઉ.વ.૨૧) રહે.ઘોઘા જકાતનાકા, મફતનગર વાળાએ સગીરાની મરજી વિરૂદ્ધ બળજબરીથી શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ તા.૯ને ગુરૂવારે રાત્રીના સમયે સગીરાને શિવાજી સર્કલ મુકી ગયા હતા. જ્યાં સગીરા બીકની મારી, ત્યાં જ સુઇ રહેલ જ્યારે તા.૧૦ને શુક્રવારે સવારે સગીરાનાં પરિવારને શિવાજી સર્કલમાંથી સગીરા મળી આવેલ અને પરિવારને કંઇક અજુગતું લાગતા અને સગીરાને પેટમાં દુઃખાવો થતાં તેણીને સર.ટી.હોસ્પીટલમાં લઇ જવાયેલ જ્યાં તેની ઉપર સામુહિક બળાત્કાર થયો હોવાનું ખુલતા સગીરાએ ઘોઘારોડ પો.સ્ટે.માં એક સગીર સહિત ચાર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ૩૭૬, પોક્સો સહિતની કલમો નોંધી ગુન્હો નોંધી આરોપીઓને ગણતરીની કલાકોમાં પીઆઇ ઇસરાણી સહિત સ્ટાફે ઝડપી લીધેલ. દરમ્યાન આજે તમામ આરોપીઓને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે નિરવ જેન્તીભાઇ શિયાળ, મનિષ હિંમતભાઇ ઢાપા તથા પ્રદિપ ઉર્ફે ટ્વીન્કલ કાંતિભાઇ ઢાપાનાં છ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. અને સગીર આરોપીને ઓબઝર્વેશન હોમમાં ધકેલવાનો હુકમ કરતા તેને બાળ સુધાર ગૃહમાં ધકેલાયો હોવાનું લોકસંસારને પીઆઇ ઇશરાણીએ જણાવ્યું હતું.