ગુટલીબાજ તલાટીઓ સામે દહેગામ ટીડીઓની લાલ આંખ

585

દહેગામ તાલુકામાં તલાટીઓ ગેર હાજર રહેતા હોવાની ફરિયાદો વ્યાપક બની છે. તલાટીઓને નિયમિત રીતે કચેરીમાં હાજર રહેવા માટે સૂચના આપવા છતાં કોઈ સુધારો ન આવતાં તાલુકા પંચાયત દ્વારા નવતર પગલું ભરવામાં આવ્યું છે, જેમાં ટીડીઓ દ્વારા ગુટલીબાજ તલાટીઓ અંગે જાણ કરવા બે મોબાઈલ નંબર જાહેર કરાયા છે. આ બંને મોબાઈલ પર વોટ્‌સએપ કે એસએમએસથી જાણ કરાયા બાદ અનિયમિત તલાટી સામે પગલાં લેવાની ખાતરી અપાઈ છે.

દહેગામ તાલુકાના ટીડીઓ કે.કે. ચૌધરીએ તલાટીઓને નિયમિત બનવા અને ગ્રામ્ય કક્ષાની સમસ્યાઓનું સત્વરે નિરાકરણ લાવવા અગાઉ સૂચના આપી હતી. હાલ ઉનાળામાં પાણીની સમસ્યા ઠેર-ઠેર સર્જાઈ રહી છે ત્યારે તલાટીઓની હાજરી અનિવાર્ય બની છે. આમ છતાં અનેક ગામમાં તલાટી ગેરહાજર રહેતા હોવાની ફરિયાદો હતી. ટીડીઓએ તલાટીઓને નિયમિત કરવા માટે હવે ગ્રામજનોની મદદ માગી છે.

તાલુકા પંચાયત દ્વારા બે મોબાઈલ નંબર ૯૯૨૪૨ ૪૪૬૦૮, ૯૬૬૨૫ ૦૬૦૪૦ જાહેર કરવામાં આવ્યા છે. આ મોબાઈલ નંબર એસએમએસ કે વોટ્‌સએપથી ફરિયાદ કરી શકાય છે. તલાટી કમ મંત્રી નક્કી કરાયેલા દિવસોએ ગેરહાજર રહે તો તે બાબતે તાલુકા વિકાસ અધિકારીને સીધી જાણ કરી શકાશે. તલાટીની ગેરહાજરીના મામલે પંચાયત દ્વારા ફરિયાદોની તપાસ કરવામાં આવશે અને તેના આધારે કાર્યવાહી કરવામાં આવશે.

પોતાની કચેરીમાં ગેરહાજરી બદલ તલાટીઓ દ્વારા વિવિધ કારણો રજૂ કરવામાં આવતા હોય છે. કેટલાક તલાટીને બે કે તેથી વધુ ગ્રામપંચાયતના ચાર્જ હોવાના કારણે તેઓ સરળતાથી છટકી જાય છે. વળી, કેટલાક તો તાલુકા પંચાયત કચેરીનું બહાનું આગળ ધરીને છટકી જાય છે. આવાં બહાના પર રોક લગાવવા માટે તલાટી કમ મંત્રી નક્કી કરાયેલા દિવસોએ ગેરહાજર ન રહેવા જણાવાયું છે. આમ છતાં, તેઓ ગેરહાજર જણાય તો નાગરિકો સીધી ફરિયાદ કરી શકશે. તાલુકા પંચાયત કે અન્ય કોઈ ગ્રામ પંચાયત છોડવાની થાય તો તલાટીએ ગ્રામ પંચાયત મુવમેન્ટ રજિસ્ટરમાં નોંધ કરવાની રહેશે. આ રજિસ્ટરમાં નોંધ કર્યા સિવાય અવર-જવર નહીં કરવા તલાટીઓને સૂચના આપવામાં આવી છે.

Previous articleગાંધીનગરમાં વીજ કનેક્શનના અભાવે ત્રણ બોર નકામા
Next articleઅમદાવાદ RTOએ ૮ મોટર ડ્રાઈવિંગ સ્કૂલોના લાયસન્સ રદ કર્યા