મોદી નીચ નિવેદન : મણિશંકર પોતાની ટિપ્પણી પર હજુ મક્કમ

530

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફરી એકવાર નીચ કિસ્મ કા આદમી ગણાવતા પોતાના લેખ ઉપર કોંગ્રેસી નેતા મણિશંકર અય્યરે સ્પષ્ટતા કરવાનો ઇન્કાર કરી દીધો છે. મોદી નીચ નિવેદનને લઇને મણિશંકર અય્યર પોતાની ટિપ્પણી ઉપર મક્કમ છે અને કહ્યું છે કે, સ્પષ્ટીકરણ આપવાની જરૂર નથી. આ સંદર્ભમાં કોંગ્રેસ પાર્ટી તરફથી નિવેદન જારી કરી દેવામાં આવ્યું છે. મિડિયાના પ્રશ્નો ઉપર નારાજગી વ્યક્ત કરતા અય્યરે કહ્યું હતું કે, તેઓ એટલા મૂર્ખ નથી કે પ્રશ્નોના જવાબમાં ફસાઈ જાય. હકીકતમાં અય્યરે ૨૦૧૭માં મોદીના સંદર્ભમાં પોતાના વિવાદાસ્પદ નિવેદન નીચ કિસ્મ કા આદમીને યોગ્ય ઠેરવતા એક લેખ લખ્યો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન મણિશંકર અય્યરે આ નિવેદન આપ્યું હતું તે વખતે ભારે હોબાળો થયો હતો. આખરે કોંગ્રેસી નેતાને માફી માંગવાની ફરજ પડી હતી. કોંગ્રેસે અય્યરના લેખને અંગત તરીકે ગણાવીને કોઇ ટિપ્પણી કરવાનો ઇન્કાર કરીદીધો છે.

અય્યરે સિમલામાં પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું છે કે, તેમને જવાબ આપવાની કોઇ જરૂર નથી. આ સંદર્ભમાં કોંગ્રેસ તરફથી નિવેદન જારી કરી દેવામાં આવ્યું છે. તેને જોઇ લેવાની જરૂર છે. અય્યરે કહયું હતું કે, તેમના દ્વારા સાચી વાત કરવાના કારણે લોકો તેમનાથી નફરત કરે છે. પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ અટલ બિહારી વાજપેયીને વિદેશી પ્રવાસમાં દેશનું પ્રતિનિધિત્વ કરવા માટે મોકલ્યા હતા. આજના વડાપ્રધાન અને આજની વર્તમાન સરકાર વિપક્ષી નેતાઓના સંદર્ભમાં આવી વિચારણા પણ કરી શકે નહીં. તેમણે કહ્યું હતું કે, ૧૦ દિવસની અંદર આ દોરનો અંત થઇ જશે. ત્યારબાદ તેમને મળવાની સ્થિતિમાં તેઓ ખુશ દેખાશે. લેખને લઇને સતત પ્રશ્ન કરવામાં આવ્યા બાદ અય્યરે કહ્યું હતું કે, આ સમગ્ર લેખ છે. તમે એક લાઇનને લઇને પાછળ પડેલા છે. મિડિયાના લોકો આજે તેમને બરબાદ કરીને કાલે કોઇ બીજી જગ્યાએ જતાં રહેશે. ૨૦૧૭માં મિડિયા સાથેની વાતચીત દરમિયાન મણિશંકર અય્યરે મોદીને નીચ કિસ્મ કા આદમી શબ્દનો પ્રયોગ કર્યો હતો તે વખતે ભાજપ સહિત અનેક પક્ષોના નેતાઓએ તેમની જોરદાર ઝાટકણી કાઢી હતી. આખરે અય્યરને માફી માંગવાની ફરજ પડી હતી પરંતુ હાલમાં જ પ્રકાશિત એક લેખમાં અય્યરે મોદીની હાલની રેલી અને નિવેદનોનો ઉલ્લેખ કરતા કહ્યું છે કે, ૨૦૧૭માં તેઓએ મોદીને શું કહ્યું હતું તે યાદ છે? તેઓએ યોગ્ય ભવિષ્યવાણી કરી હતી કે કેમ? બીજી બાજુ કોંગ્રેસ પાર્ટીએ અય્યરના નિવેદનને લઇને હાથ ઉંચા કરી દીધા છે અને કહ્યું છે કે, ખોટા નિવેદન કરનાર સામે રાહુલ ગાંધી કાર્યવાહી કરે છે. પાર્ટીના નેતા પવન ખેડાએ કહ્યું છે કે, મોદીએ આક્ષેપબાજીના સ્તરને નીચે ઉતારી દીધું છે. આ લેખમાં મણિશંકર અય્યરે મોદીની રેલીઓ અને ઇન્ટરવ્યુમાં આપવામાં આવેલા નિવેદનનો ઉલ્લેખ કર્યો છે. મોદીની શૈક્ષણિક પૃષ્ઠ ભૂમિનો ઉલ્લેખ કરીને અય્યરે ભગવાન ગણેશની પ્લાસ્ટિક સર્જરીનો ઉલ્લેખ કર્યો છે. અય્યરે એવા ઇન્ટરવ્યુનો પણ ઉલ્લેખ કર્યો છે જેમાં મોદીએ બાલાકોટ હુમલા વેળા વાદળોની વાત કરી છે. ડિસેમ્બર ૨૦૧૭માં નરેન્દ્ર મોદીએ દિલ્હી સ્થિત બાબાસાહેબ આંબેડકર સેન્ટરના ઉદ્‌ઘાટનવેળા રાહુલ ગાંધી ઉપર પ્રહાર કર્યા હતા ત્યારબાદ કોંગ્રેસના નેતા મણિશંકર અય્યરે વાંધાજનક ટિપ્પણી કરી હતી અને મોદીને નીચ અને અસભ્ય સભ્ય તરીકે ગણાવીને ટિકા કરી હતી. મણિશંકર અય્યર ફરી એકવાર વિવાદના ઘેરામાં આવી ગયા છે. તેમને ફરી એકવાર ખુલાસા કરવાની ફરજ પડી શકે છે.

Previous articleહિંસા અને નફરત હવે બંધ થવી જોઇએ : રાહુલ ગાંધી
Next articleપ્રિયંકાની દરિયાદિલી!,મોદી-મોદીના નારા લગાવનારો પાસે જઇ હાથ મિલાવ્યો