બોટાદ જીલ્લાના રાણપુર શહેરની વસ્તી આશરે ૨૫૦૦૦ જેટલી વસ્તી છે અને ૧૫૦૦૦ જેટલા પશુધનના માથે જળ સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે.ત્યારે બોટાદ જીલ્લા વિકાસ અધિકારીએ પાણીની સમસ્યા દુર કરવા શહેરના ગેરકેયદેસર જોડાણ કાપી ઔદ્યોગિક એકમોને પાણી બંધ કરવાનું સુચન કર્યુ.રાણપુરના સરપંચે ભડલા ડેમથી આવતી લાઈનમાં પાણીચોરી રોકવાની રજુઆત કરી છે.રાણપુર શહેરમાં ઉનાળાની શરૂઆતથી જ ઉભી થયેલી પાણીની વિકટ સ્થિતિને પહોંચી વળવા માટે ઔદ્યોગિક એકમો અને રાણપુર શહેરના ગેરકાયદેસર નળ કનેક્શનોને કાપી નાખવા માટે જીલ્લા વિકાસ અધિકારીએ હુકમ કર્યો છે.જેના પગલે રાણપુર શહેરની અસર સોસાયટી,હનુમાનપુરી મદનીનગર,ખ્વાજા પાર્ક,શ્રીજી વિલાસ,કૈલાસનગર,વૃંદાવન સોસાયટી,ગાયત્રી સોસાયટી,દેસાઈ વોરા વાડ,મારૂતીનગર,કૃષ્ણનગર,રેલ્વે સ્ટેશન વિસ્તાર સહીતના વિસ્તારોમાં રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ અબ્બાસભાઈ ખલાણી તથા તલાટી પરમારભાઇ પંચાયતના સભ્યોએ મિટીંગ કરી અલગ-અલગ ટીમો બનાવી સર્વે કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.જેના પગલે રાણપુર શહેરના ગેરકાયદેસર કનેક્શન અથવા નળ ને ડટ્ટી ન હોય તેવી સ્થિતિમાં સ્થળ પર જ નોટીસ આપવાની કવાયત હાથ ધરવામાં આવી છે.પહેલા ગ્રામ પંચાયત દ્વારા લોકોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવે છે જો બીજીવાર ગેરરીતી માલૂમ પડશે તો કનેક્શન કાપી નાખવામાં આવશે તે અંગે લોક જાગૃતી લાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
લોકોને ટાઈમસર પાણી મળી રહે તે અમારી પ્રથમ પ્રાથમિકતા : તલાટી,રાણપુર
પાણી ની અછત બાબતે રાણપુર ગ્રામ પંચાયતના તલાટી પરમારભાઈએ જણાવ્યુ હતુ કે રાણપુર શહેરના લોકોને પુરતા પ્રમાણમાં પીવાનું પાણી મળી રહે તે માટે અમે સતત પ્રયત્નશીલ છીએ.અત્યારે પીવાના પાણીની પરીસ્થિતી ખુબજ ખરાબ છે છતા પણ રાણપુરના લોકોને ટાઈમ સર પુરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે અમે અને સભ્યો રાત દિવસ મહેનત કરીએ છીએ લોકો પણ થોડો સાથ સહકાર આપે અપીલ કરેલ.
ભડલા ડેમથી આવતી લાઈનમાંથી પાણી ચોરી બંધ કરાવોઃસરપંચ
આ બાબતે રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ અબ્બાસભાઈ ખલાણીએ જણાવ્યુ હતું કે છેલ્લા બે દિવસથી તલાટી અને પંચાયના સભ્યો દ્વારા ભડલા ડેમથી આવતી લાઈન પર ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી જ્યા ગેરકાયદેસર કનેક્શનો નજરે પડ્યા હતા.આ કનેક્શનો દ્વારા વ્યાપક પ્રમાણમાં પાણી ચોરી અને દુરઊપયોગ કરવામાં આવી રહ્યો છે.જો આ પાણી ચોરી અટકાવવામાં આવે તો રાણપુર શહેરને વધુ પાણી મળી શકે છે.