સાબરકાંઠામાં પાણીની લાયમાં ૭૦ ખેડૂતો ૩ કરોડમાં છેતરાયા, PVC પાઇપ કંપનીએ ફ્રોડ કર્યું

822

ગુજરાત હાલ જળ સંકટથી ઘેરાયેલું છે. દિવસેને દિવસે પાણીના પોકારો ઉઠી રહ્યા છે. તેમાંય સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના ખેડૂતો પાણી મેળવવાની ઉતાવળમાં કિશાન ઇરિગેશન શ્ ઇન્ફ્રા. લીમીટેડ નામની પીવીસી પાઇપ કંપનીએ ડિફેકટિવ માલ પધરાવીને ખેડૂતોને ૩ કરોડનો ચૂનો લગાવી દેતા જગતના તાત પાસે હવે આત્મહત્યા સિવાય કોઇ રસ્તો બચ્યો નથી.

આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના રહેડા ગામની ખેતી માટે પાણીની સમસ્યા મોટી છે. જેને લઇ ૭૦ જેટલા ગ્રામજનોએ ભેગા મળી ધરોઈ ડેમ માંથી સિંચાઈ માટે પાણી લેવા ૩ કરોડ જેટલી માતબર રકમ ભેગી કરી હતી. વડાલી શહેરમા આવેલ કિશાન ઇરિગેશન શ્ ઇન્ફ્રા. લીમીટેડ નામની પીવીસી પાઇપ કંપનીના ડીલર પાસેથી પાઇપોની ખરીદી કરી કામ ચાલુ કર્યું હતું, પરંતુ પાણી શરૂ થતા જ પાઇપો તૂટવા માંડ્‌યા હતા. આ વાતને લઇને ખેડૂતોએ ડીલરને રજુઆત કરી હતી, પરંતુ ડિલરોએ ખેડૂતોની વાત પર કોઇ ધ્યાન આપ્યું નહોતું. ત્યારબાદ ખેડૂતોએ આ પાઇપોનું સિપેટ એસ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી રસાયણ અને પેટ્રોરસાયન વિભાગ ભારત સરકારની અમદાવાદ ખાતેની લેબમાં ટેસ્ટીંગ કરાવ્યુ હતું. તો લેબમાં મોટો ઘટસ્ફોટ થયો હતો. રિપોર્ટમાં સામે આવ્યું કે, પાઇપો ડિફેકટિવ છે અને કિશાન ઇરિગેશન શ્ ઇન્ફ્રા. લીમીટેડ નામની પીવીસી પાઇપ કંપનીએ ગુણવત્તાવાળી પાઇપો આપી નથી. લેબના રિપોર્ટ બાદ ખેડૂતોને એહસાસ થયો કે તેમની સાથે કરોડોની છેતરપીંડી થઇ છે.

ખેડૂતોએ લેબના રિપોર્ટને લઇને સ્થાનિક ડીલરને વાત કરી હતી, પરંતુ  કિશાન ઇરિગેશન શ્ ઇન્ફ્રા. લીમીટેડના સ્થાનિક ડીલરે કંપની ઉપર દોસ્તનો ટોપલો ઢોળ્યો હતો. ડિલરે કહ્યું કે, જે માલ મને કંપનીએ આપ્યો છે તે જ માલ મેં ખેડૂતોને આપ્યો છે. આમો મારી કોઈ જવાબદારી નથી.

આ ઘટના બાદ હવે જગતના ૭૦ તાત મૂંઝાયા છે. કરવું તો કરવું શું તેવી હાલત ઉદ્દભવી છે. ખેડૂતોએ ભેગા મળીને ૧૪ કિલોમીટર જેટલી પાઇપ લાઇન નાખી ચુક્યા છે. મોટર ચાલુ કરતા એકાએક પાઇપો ફાટી જાય છે. ડીલર કે કંપની તરફથી કોઇ જવાબ આપતું નથી. જેથી ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે.

Previous articleબોર્ડની પરીક્ષાના ફોર્મ ઓનલાઇન ભરનારી શાળાઓને નાણાં ચૂકવાશે
Next articleગાંધીનગરના ૧૦,૪૧૮ ‘રોંગ સાઈડ રાજુ’ને કુલ ૧૫,૨૧,૮૦૦નો દંડ ફટકારાયો