જમ્મુ કાશ્મીરમાં સ્થિત ભારતીય વાયુસેનાના બે એરબેઝ પર આતંકવાદીઓ હુમલો કરવાની યોજના બનાવી રહ્યા છે. સરકારી સૂત્રોનું કહેવું છે કે આ અંગે પ્રાપ્ત ગુપ્ત માહિતી મુજબ આતંકવાદી શ્રીનગર અને અંવતીપૂરાના એરબેઝ પર હુમલો કરવાની યોજન ઘડી રહ્યા છે. આ ચેતવણી બાદ આ બેઝ અને આજુબાજુના બેઝ પર સુરક્ષાદળોને હાઇએલર્ટ પર મૂકાયા છે.બાલાકોટ એર સ્ટાઈક બાદ ભારતીય વાયુસેના હાઇએલર્ટ પર છે કારણ કે ૨૬મી ફેબ્રુઆરીની રાત્રે વાયુસેનાએ પાકિસ્તાનમાં સ્થિત જૈશ-એ-મોહમ્મદના આતંકી સ્થળોને નષ્ટ કર્યા હતા. ત્યારબાદ પલટવાર કરતા પાકિસ્તાને તેના ભારતીય સૈન્ય પ્રતિષ્ઠાનોને ટાર્ગેટ કરી લડાકુ વિમાન એફ-૧૬ મોકલ્યું હતું. પાક.ના હુમલાને સેનાએ નિષ્ફળ બનાવ્યો હતો.આ અગાઉ ૧૩મી મેના રોજ જૈશના એરિયા કમાન્ડર મૈસૂર અહમદે ઉત્તર પ્રદેશના શામલી સહિત અનેક સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો પત્ર મોકલ્યો હતો. ત્યારબાદ શામલીમાં એલર્ટ જાહેર કરાયું હતું.
સ્ટેશન અને આસપાસના વિસ્તારોમાં રેલવે પોલીસ સાથે ગુપ્તચર ટુકડીઓએ સ્ટેશન અને ટ્રેનોમાં ચેકિંગ અભિયાન ચલાવ્યું હતું.
જણાવી દઈએ કે, જમ્મુ-કાશ્મીરમાં છેલ્લાં કેટલાક દિવસોમાં આતંકીઓની સાથે મુઠભેડની સંખ્યા વધી છે, એવામાં જોખમ માત્ર સરહદવાળા આતંકીઓથી જ નહીં પરંતુ ઘાટીમાં રહેલા આતંકીઓથી પણ છે. ગુરુવારે જ પુલવામામાં એક ભીષણ મુઠભેડ થઈ હતી, જેમાં ત્રણ આતંકીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. કાશ્મીરમાં સુરક્ષાદળ આતંકીઓના ખાત્મા માટે પહેલાથી ઓપરેશન ઓલઆઉટ ચલાવી રહ્યા છે, જે અંતર્ગત આ જ વર્ષે સેંકડો આતંકીઓને મોતને ઘાટ ઉતારવામાં આવી ચુક્યા છે.