લોકસભાની ચૂંટણી માટે અંતિમ તબક્કાના મતદાન પહેલા જ જુદા જુદા રાજકીય પક્ષો મિટિંગોમાં વ્યસ્ત થઇ ગયા છે. આજે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ એક પછી એક બેઠકો યોજી હતી. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી અને એનસીપી વડા શરદ પવારને મળ્યા હતા. ત્યારબાદ સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ અને બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતીને પણ મળ્યા હતા. નાયડુની આસક્રિયતા ત્રીજા મોરચાની શક્યતાને લઇને દર્શાવવામાં આવી રહી છે. જાણકાર લોકોનું કહેવું છે કે, રિઝલ્ટ ડે પહેલા આ વાતચીતનો સિલસિલો શરૂ થઇ ગયો છે. નાયડુએ નવી દિલ્હી પહોંચ્યા બાદ બેઠકોનો સિલસિલો શરૂ કર્યો હતો. રાહુલ ગાંધી ઉપરાંત સીપીઆઈના નેતાઓ સુધારક રેડ્ડી, ડી રાજા, એનસીપીના વડા શરદ પવાર, એલજેડીના નેતા શરદ યાદવને મળ્યા હતા.
ત્યારબાદ ઉત્તરપ્રદેશના પાટનગર લખનૌ પહોંચ્યા બાદ સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ અને બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતીને મળ્યા હતા. એનસીપીના નેતા અજીત પવારે કહ્યું હતું કે, ઇવીએમની કામગીરીને લઇને તેમને કોઇ પણ પ્રકારની શંકા નથી. સૌથી પહેલા શરદ પવાર સાથે તેમની બેઠક યોજાઈ હતી. ચૂંટણી કમિશનર અશોક લવાસાના નિવેદન સંદર્ભમાં કોંગ્રેસ પાર્ટીએ કહ્યું હતું કે, બંધારણીય સંસ્થાઓની સામે મોદી શાસનમાં ખતરો ઉભો થઇ ગયો છે. બંધારણીય સંસ્થાઓમાં ગાબડા પડી રહ્યા છે. સીઈસી સુનિલ અરોડાએ ચૂંટણી પંચની કામગીરીને લઇને તમામ આક્ષેપોને રદિયો આપ્યો હતો. ચૂંટણી કમિશનરની કામગીરીના સંદર્ભમાં જુદા જુદા અભિપ્રાયો પહેલા પણ આવતા રહ્યા છે. સવારમાં નાયડુ તેમના દિલ્હી આવાસ ઉપર રાહુલ ગાંધીને મળ્યા હતા અને ભાજપ વિરોધી મોરચાને મજબૂત કરવાના વિકલ્પ ઉપર ચર્ચા કરી હતી. ભાજપને દૂર કરવા માટે કેન્દ્રમાં કર્ણાટક મોડલ ઉપર કામ શરૂ કરાયુ હોવાનું પણ જાણવા મળ્યું છે. કોંગ્રેસના મહાસચિવ ગુલામ નબી આઝાદે હાલમાં જ કહ્યું છે કે, કેન્દ્રમાંથી ભાજપને સત્તામાંથી દૂર કરવા માટે તેઓ પીએમ પદનો પણ ત્યાગ કરવા માટે તૈયાર છે. કર્ણાટક મોડલ પર સરકાર બનાવવાની કવાયત શરૂ થઇ ચુકી છે. જેડીએસના વડા એચડી દેવગૌડાએ કોંગ્રેસ સાથે કોઇપણ પ્રકારના મતભેદ હોવાનો ઇન્કાર કર્યો છે. દિલ્હીમાં યુપીએના અધ્યક્ષ સોનિયા ગાંધી દ્વારા પણ ૨૩મીના દિવસે મહત્વની બેઠક બોલાવવામાં આવી છે. જો કે, માયાવતી અને અખિલેશે આ બેઠકમાં ભાગ લેવાના કોઇ સંકેત આપ્યા નથી. આવી સ્થિતિમાં એકતાના પ્રયાસોને ફટકો પડી શકે છે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં પોતાની સરકાર નહી બનવાની સ્થિતિમાં કોંગ્રેસે જેડીએસને સમર્થન આપવાની જાહેરહાત કરી હતી. ત્યારબાદ કુમારસ્વામી રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા. આ વખતે પણ આવા જ મુદ્દા ઉપર ગણતરી વિરોધ પક્ષો શરૂ કરી છે.