ગીર સોમનાથ જીલ્લાના વેરાવળ તાલુકાના સવની ગામે એક પ્રસુતાને પીડા ઉપડતા ૧૦૮ઇમરજન્સી સારવાર કરતી ટીમ તાત્કાલીક દોડી ગઇ હતી તેમાં પ્રસુતિની પીડા વધી જતા આ મહિલાને રસ્તામાં પ્રસુતિ કરાવી હતી. આ મહિલાને બાળકને જન્મ બાદ સારવાર માટે વેરાવળ હોસ્પિટલે તાકીદે ખસેડી મહિલાને ભયમુક્ત બનાવી હતી.
જાણવા મળતી વિગતો મુજબ વેરાવળ તાલુકાના સવની ગામે રહેતા અને મજુરી કામ કરતા મુુકેશભાઇ પરમારની પત્ની કાજલબેનને અચાનક જ સાંજના સમયે પ્રસુતાની પીડા ઉપડતા પાડોશી ભારતીબેને ૧૦૮ને જાણ કરતા વેરાવળ ૧૦૮ની ટીમના જ્યોત્સના બેન તેમજ વિપુલ ગોહેલ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પરંતુ ૧૦૮ એમ્બ્યુલેન્સમાં પહોંચે તે પહેલા જ કાજલબેનને પ્રસુતીની પીડા ખુબજ વધી જતા અને હોસ્પિટલે પહોંચી શકે તેમ ન હોવાથી રસ્તા પર જ પ્રસુતીની જરૂરીયાત ઉભી થતા ૧૦૮ ટીમે તેમજ આજુબાજુના બહેનોને બોલાવી માતા તથા બાળકની સલામતી માટે સાડી દવારા ફરતો ઘેરાવ કરી પ્રસુતિ કરાવી હતી. માતા અને બાળકની તબીયતમાં ચિંતા જણાતા અમદાવાદ ૧૦૮ સેન્ટરમાં મેડીકલ ઓફિસરને વાતચીત કરી યોગ્ય સારવાર આપી બાદમાં તેમને વેરાવળ હોસ્પિટલે ખસેડયા હતા જ્યાં તાકીદની સારવાર મળી જતા મહિલા ભયમુક્ત બની હતી. ૧૦૮ની ટીમે પ્રશંસનીય કામગીરી કરી હતી.