ભાવનગર જિલ્લાની મુલાકાતે આવેલા પ્રભારીમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં ભાવનગર કલેક્ટર કચેરી ખાતે આયોજિત બેઠકમાં જિલ્લામાં પાણીની વર્તમાન પરિસ્થિતિનો તાગ મેળવ્યા બાદ જિલ્લાના ખાખરિયા અને રંઘોળાની મુલાકાત લઈ, ત્યાંના સ્થાનિક નાગરિકો પાસેથી પાણીની પરિસ્થિતિ વિશેની રજૂઆતો અને તંત્ર દ્વારા લેવાયેલા પગલાં વિશે રૂબરૂ માહિતી મેળવી હતી.
સિંહોર તાલુકાના ખાખરિયા ગામની મુલાકાત સમયે મંત્રીએ નાગરિકોને સધિયારો આપતા જણાવ્યું કે, એક સમયે મેં જાતે ટીપણું લઈને પાણી ભર્યું છે એટલે પાણીની વિકટ પરિસ્થિતિથી હું વાકેફ છું, પરંતુ આપણે પણ પાણીના વપરાશની પદ્ધતિ સુધારવાની જરૂર છે. ઉમરાળા તાલુકાના રંઘોળા ગામની મુલાકાત વખતે મંત્રીશ્રીએ ઇઝરાઇલનું ઉદાહરણ આપતા કહ્યું કે, ત્યાં માત્ર ૩ જ ઇંચ વાર્ષિક વરસાદ પડતો હોવા છતાં આખું વર્ષ પૂરતું પાણી મળી રહે છે. જ્યારે શિકાગોમાં પણ લોકો પાણીનો વૈચારિક ઉપયોગ કરે છે. ત્યારે આપણે પાણીના વપરાશની આપણી આદતો બદલવી પડશે. પાણીએ ભગવાનનો પ્રસાદ છે. તેનો વહેંચીને ઉપયોગ કરવાનો છે અને તેનો વેડફાટ એ પાપ સમાન હોવાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો.
આ તકે મંત્રીએ બંને ગામના નાગરિકોની પાણીને લગતા વિવિધ પ્રશ્નો અંગેની રજૂઆતો સાંભળીને તેનો સ્થળ પર જ નિકાલ કરતાં તમામ મુશ્કેલીઓનો ઉકેલ કરવા સંલગ્ન અધિકારીઓને સૂચનાઓ આપી હતી. આ સમયે ગુજરાત હાઉસિંગ બોર્ડના ચેરમેનશ્રી મહેન્દ્રસિંહ સરવૈયા, ખાખરિયા તથા રંઘોળા સહિતની ગ્રામપંચાયતોના સરપંચ, અધિકારીઓ- પદાધિકારીઓ તેમજ ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.