મહારાજા કૃષ્ણકુમારસિંહજીનો આજે ૧૦૭ મો જન્મદિવસ

1155

અખંડ ભારતનાં નિર્માણમાં સૌ પ્રથમ પોતાનું રાજ્ય સોંપનાર ભાવનગરનાં નેકનામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીનો તા.૧૯ ને રવિવારે ૧૦૭મો જન્મદિવસ છે.

ભારતની સ્વતંત્રતા પહેલા ભારતભરમાં ૫૬૨ દેશી રાજ્યો હતો. ભારત અને પાકિસ્તાન એમ બે ભાગલા તો નીશ્ચિત હતા. બાકીના દેશી રાજાઓ પણ કોઇને કોઇ ગ્રુપ અથવા પોતે સ્વતંત્ર થવા ઇચ્છા ધરાવતા હતા. જો આમ થાય તો ભારતના અનેક ભાગલા પડી શકે તેમ હતા.

સ્વાતંત્રય સમયે મોટાભાગના રાજવીઓ શિકાર, નાચગાન, કિંમતી અલંકારો-પોશાકો પરિધાન કરવા, વિદેશ ભ્રમણ, મોજશોખ, વ્યસનો વગેરમાં રચ્યા પચ્યા રહેતા હતા. બધાને માટે પોતાની રાજ્યસત્તા પરંપરાગત રીતે ટકી રહે તેમ ઇચ્છતા હતા. સમય બદલાઇ રહ્યો છે. આવનારા દિવસોની હકીકત કે દેશ દુનિયાના પ્રવાહોનો કોઇએ અભ્યાસ નહોતો કર્યો. કોઇ જાણકારી મેળવતા નહોતા. તેમનાંમાં કોઇ ત્યાગ કરવાની ભાવના પણ ન હતી.

ભાવનગરના મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહિલ ઉપરોક્ત બધા રાજવીઓથી અલગ માટીના માનવી હતા. બદલાતા સમયના જાણતલ હતા. લોકશાહીના આવી રહેલા દિવસોમાં શું પરિસ્થિતિ ઉભી થશે તેમનામાં ઉંડી સુઝ હતી. પરિપક્વ સમજણ હતી. પોતાની સત્તા કરતાં દેશની અખંડીતતાની દેશદાઝ હતી. બીજા રાજાઓને અલગ અલગ જૂથમાં અથવા સ્વતંત્ર થતા અટકાવી શકાય તેવો કોઇ ઉપાય નહોતો. આ ભાવનામાંથી બધાઓને બહાર લાવવા પોતે બને તેટલું કરી છૂટવા પોતાનું રાજ્ય છોડીને ઉદાહરણ પૂરૂં પાડવા મનોમન નક્કિ કર્યું.

૧૭ ડિસેમ્બર ૧૯૪૭ ના રોજ દિલ્હીના બિરલા હાઉસ ખાતે ગાંધીજીની મુલાકાત સમયે ગાંધીજીએ ઉભા થઇને તેમને નમસ્કાર કર્યા. વાઇસરોય સહિતના કોઇપણ મોટા મહાનુભાવ માટે પણ ગાંધીજી આવો માનભર્યો વિવેક પ્રગટ કરતા નહોતા. પણ મહારાજાને બાળપણથી ગાંધીજી પહેચાનતા હતા. તેથી ૩૫-૩૬ વર્ષના યુવાન મહારાજાને ગાંધીજી અલગ જ ગૌરવ આપ્યું હતું. માત્ર પંદર મીનીટની અત્યંત ટૂંકી મુલાકાતમાં મહારાજાએ ભારતમાતાના ચરણોમાં દેશની અખંડીતતા માટે પોતાનું રાજ્ય સમર્પિત કરવા કહી દીધું. રીયાસત ખાતાના પ્રધાન સરદાર વલ્લભભાઇ પટેલ, વડાપ્રધાન જવાહરલાલ નહેરૂં અને વાઇસરોય લોર્ડ માઉન્ટ બેટનને મહારાજા મળ્યા. બધા જ નેતાઓ મહારાજાની દેશભક્તિથી ખૂબ જ પ્રભાવિત થયા હતા આજે ૧૯ મે ના રોજ તેમનાં ૧૦૭માં જન્મ દિવસ નિમિત્તે તેમને શત શત નમન…

Previous articleઆપણે પાણીનાં વપરાશની પદ્ધતિ સુધારવાની જરૂર છે : મંત્રી ભૂપેન્દ્રસિંહ
Next articleદુર્ગાવાહિની બહેનોની શૌર્યરેલી