ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન ગૌતમ ગંભીરે વિશ્વ કપ ફાઇનલ મેચ માટે ત્રણ ટીમોને દાવેદાર ગણાવી છે, તેમાંથી એક ટીમનું ફાઇનલમાં પહોંચવાનું નક્કી છે, જ્યારે બાકીની બે ટીમોમાંથી એક ફાઇનલમાં પહોંચશે તેવી વાત કરી છે. ચોંકાવનારી વાત તે છે કે ગંભીરે જે ટીમને ફાઇનલ સુધી પહોંચાડી છે, તે ભારત નથી. ૩૦ મેએ ઈંગ્લેન્ડ અને વેલ્સમાં વિશ્વકપનો પ્રારંભ થવાનો છે. ટાઇમ્સ ઓફ ઈન્ડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં ગંભીરે કહ્યું કે, ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાનું ફાઇનલમાં પહોંચવાનું નક્કી છે, જ્યારે ભારત કે ઈંગ્લેન્ડમાંથી કોઈ એક ટીમ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાની સામે હશે. ગંભીરે કહ્યું, મારી નજરમાં ઓસ્ટ્રેલિયા સૌથી વધુ પ્રભળ દાવેદાર છે અને તેણે ફાઇનલ મેચ રમવી જોઈએ. ઓસ્ટ્રેલિયાનું વનડેમાં છેલ્લા ઘણા સમયથી પ્રદર્શન ખરાબ રહ્યું હતું, પરંતુ હાલમાં ભારત અને પાકિસ્તાન વિરુદ્ધ ઓસ્ટ્રેલિયાએ વનડેમાં શાનદાર વાપસી કરી હતી. ભારતને ભારતમાં ૧૦ વર્ષ બાદ વનડે સિરીઝમાં ઓસ્ટ્રેલિયાને ૩-૨થી હરાવ્યું હતું, જ્યારે પાકિસ્તાનને યૂએઈમાં ૫-૦થી ક્લીનસ્વીપ કરી હતી.
ગંભીરે કહ્યું, ’ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઈંગ્લેન્ડ કે ભારતમાંથી કોઈ એક ટીમ રમી શકે છે.’ ઈંગ્લેન્ડને પસંદ કરવાનું કારણ તે છે કે ટીમ પોતાના હોમગ્રાઉન્ડમાં રમશે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી ટીમનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. ઈંગ્લેન્ડની પાસે દરેક પોઝિશન માટે સારા ક્રિકેટર છે. તેની ટીમ ઘણી બેલેન્સ છે. ટીમ ઈન્ડિયાના બેલેન્સ વિશે ગંભીરે કહ્યું, ટીમ ઈન્ડિયા કેપ્ટન વિરાટ કોહલી અને વાઇસ કેપ્ટન રોહિત શર્મા પર વધુ નિર્ભર રહેશે. જ્યાં સુધી બોલિંગની વાત છે તો જસપ્રીત બુમરાહ એક્સ ફેક્ટર સાબિત થઈ શકે છે. બેટિંગમાં રોહિત અને વિરાટે મોટી ઈનિંગ રમવી પડશે.