ખેતીપ્રધાન દેશમાં ખેડૂતો હજુ પણ જરૂરિયાતોથી વંચિત હોય તેવું જાણવા મળી રહ્યું છે. જો કે સરકારના નવા બજેટમાં ખેડૂતો મોટી આશા રાખી રહ્યા છે. ખેડૂતો હજુ પણ પાણી અને પોષણક્ષમ ભાવ વીજળી જેવા મુદ્દે સરકાર પાસે આશા અપેક્ષા રાખી રહ્યા છે. જો કે આ વખતના બજેટમાં ખેડૂતોની સાથે સાથે સામાન્ય પ્રજા પણ મોંઘવારીના મારમાં રાહત મળે તેવી આશા સરકાર પાસે રાખી રહી છે. ખેડૂતો તેમને પાકના સારા ભાવ મળતા નથી, તે મુદ્દે સરકારને અનેક વખત ફરિયાદ કરી ચૂક્યા છે. એવામાં આ વખતના બજેટમાં ખેડૂતોનું ધ્યાન રાખવામાં આવે તેવું ખેડૂતો સરકાર પાસે ઈચ્છી રહ્યા છે. ખેડૂતોને પાકના ભાવ સિવાય વાવતર માટે પાણી અને વીજળી બંને પૂરતા મળી રહે તેવી યોજનાઓ સરકાર બનાવે તેવી ખેડૂતોને આશા છે. જો કે બનાસકાંઠાના ઘણા ગામડાઓમાં પાણીના ફાંફાં હોવાથી બનાસકાંઠાના ખેડૂતો ખાસ સરકાર પાસે આશા રાખીને બેઠા છે. બનાસકાંઠાના એક ખેડૂતે જણાવ્યું હતું કે, ચૂંટણીના સમયે સરકાર ખેડૂતોને દસ કલાક વીજળી આપતી હતી જ્યારે હાલમાં આઠ કલાક વીજળી આપી રહી છે. અમારી માગણી એવી છે કે, ખેડૂતોને રાત્રિના સમયે જે વીજળી આપવામાં આવે છે તેની જગ્યાએ દિવસે વીજળી આપવામાં આવે. બનાસકાંઠાના ખેડૂત પ્રેમજીભાઈનું કહેવું છે કે, રાત્રિ દરમ્યાન પિયત કરવા જવામાં ખેડૂતોને જીવનું જોખમ રહે છે. ક્યારેક ઠંડીના કારણે અને ક્યારેક ઝેરી જીવજંતુઓના કારણે ખેડૂતોનું મોત પણ થઈ જાય છે. જેના કારણે ખેડૂતોની માગ છે કે નવા બજેટમાં સરકાર ખેડૂતો માટે કોઈ ખાસ યોજનાઓ લાવે. બનાસકાંઠાના ખેડૂતોનુ કહેવું છે કે જે બિયારણ આપવામાં આવે છે તે ખૂબ મોંઘુ હોય છે, તેમાં પણ સરકારે ઘટાડો કરવો જોઈએ. ખેડૂતો મહામહેનતે પાક તૈયાર કરે છે અને તેના ભાવ પણ સરખા મળતા નથી. ખેડૂતનું કહેવું છે કે, બનાસકાંઠામાં કરમાવત તળાવ છે, તેમાં પાણી ભરવાની વાત સરકાર છેલ્લા ૨૦ વર્ષથી કરી રહી છે, પરંતુ હજુ પણ સરકારે આ વિસ્તારમા સિંચાઈના પાણી માટે કંઈ પણ કર્યું નથી.
ખેડૂતોની એવી પણ ફરિયાદ છે કે પાણીના તળ ઊંડા ગયા હોવાથી ખેડૂતોના બોરવેલ પણ ફેલ થઈ ગયા છે. ઉપરાંત બોરવેલ બનાવવાનો ખર્ચ પણ મોંઘો પડી રહ્યો છે. એવામાં ખેડૂતોની આશા પર સરકાર ખરી ઉતરે તેવી આશા ખેડૂતોને છે.