ગાંધીનગરના સેવાભાવી યુવાનોની સંસ્થા “હેપ્પી યુથ ક્લબ” દ્વારા સંસ્થાના ચોથા સ્થાપના દિન નિમિત્તે થેલેસેમિયાગ્રસ્ત બાળકોની જિંદગી બચાવવાના કાર્યમાં મદદરૂપ થવાના હેતુથી તા.૧૯મી મે, ૨૦૧૯ રવિવારના રોજ સવારે ૯.૦૦ થી બપોરના ૧૨.૦૦ વાગ્યા દરમ્યાન ગાંધીનગરના સેક્ટર-૧૬માં રંગમંચ પાસે “બ્રહ્મસમાજ ભવન” ખાતે “હેપ્પી રક્તદાન શિબિર”નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ ૨૯ યુનિટ્સ રક્ત એકત્ર થવા પામ્યું હતું. આ ઉપરાંત “હેપ્પી રક્તદાન શિબિર” દરમ્યાન વિના મૂલ્યે હેપ્પી ચકલી ઘરનું તેમજ ઉનાળાની કાળઝાળ ગરમીમાં અબોલ પશુ-પંખીઓની તરસ છીપાવવા માટે ઉપયોગી એવા સિમેંટના મોટા કુંડાંનું ઉર્મિલા ચેરિટેબલ ટ્રસ્ટના મિલી એનિમલ કેર તથા સ્વઅર્પણ સેવા સમિતિ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી વિતરણ કરવામાં આવ્યું હતું.
“હેપ્પી રક્તદાન શિબિર”માં ગાંધીનગરના સેન્ચુરિયન રક્તદાતા સુકેતુ મહેતાએ ૧૩૮મી વાર રક્તદાન કર્યું હતું જે તેમના સ્વ. માતૃશ્રીની પ્રથમ પુણ્યતિથી હોવાથી તેમણે રક્તદાન કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. રક્ત એકત્ર કરવાની સેવા ઇંડિયન રેડક્રોસ સોસાયટી ગાંધીનગર જિલ્લા શાખાના સહયોગથી કલોલ શાખાની બ્લડ બઁક દ્વારા પૂરી પાડવામાં આવી હતી જે માટે દિલીપભાઈ દવે તથા તેમની ટીમે ખડે પગે સેવાઓ આપી હતી. આ પ્રસંગે રેડક્રોસ સોસાયટી ગાંધીનગર જિલ્લા શાખાના ચેરમેન જીલુભા ધાંધલ, મંત્રી હિતેશભાઈ રાવલ ઉપરાંત જી.કે.ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા અને જરૂરી મદદ પૂરી પાડી હતી. હેપ્પી રક્તદાન કેમ્પના આયોજન માટે બ્રહ્મસમાજના અગ્રણી તથા જાણીતા એડવોકેટ અશ્વિનભાઈ ત્રિવેદી તરફથી બ્રહ્મ સમાજ ભવનની સેવા પ્રાપ્ત થઇ હતી. પાણીના કુંડા માટે ઉર્મિલા ચેરીટેબલ ટ્રસ્ટના મિલી અનીમલ કેર યુનિટ વતી યુવા અભિનેત્રી વિવેકા પટેલ અને રાજન ત્રિવેદી સહીત સ્વયંસેવકો તેમજ સ્વઅર્પણ સેવા સમિતિ ચેરીટેબલ સંસ્થાના કમલેશભાઈ સિસોદિયા, વીણાબા ઝાલા સહીત અન્ય દાતાઓએ સેવા પૂરી પાડી હતી. આ ઉપરાંત રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા જાણીતા કટાર લેખક તેમજ સાહિત્ય સભાના ઉપાધ્યક્ષ સંજય થોરાત, સામાજિક અગ્રણી પ્રદીપસિંહ વાઘેલા, પ્રેરણા સ્કુલના પ્રિન્સીપાલ મનીષભાઈ ખત્રી, યુવા સામાજિક કાર્યકર વિજયસિંહ માજીરાણા વગેરે સહીત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
“હેપ્પી યુથ ક્લબ” દ્વારા આયોજિત “હેપ્પી રક્તદાન શિબિર”માં શહેરના રક્તદાતાઓ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું અને આયોજનમાં અનેક સેવાભાવી યુવાનો જોડાયા હતા. “હેપ્પી રક્તદાન શિબિર”માં રક્તદાન કરનાર તમામ રક્તદાતાઓને રક્તદાતા કાર્ડ, પ્રમાણપત્ર સાથે શુભેચ્છા ભેટ આપી સન્માનીત કરવામાં આવ્યા હતા. હેપ્પી યુથ કલબના સ્વયંસેવકો અભિષેક શર્મા, ધાર્મિક, હર્ષ પ્રજાપતિ, કેતન, ખુશ્બુ પરમાર, જયદીપ ધનેશા, મોસમ રાઠોડ, પ્રિયંકા સથવારા, વિશાખા રાજપૂત અને ઉષાબેન રાજપૂત સહીત અનેક સ્વયંસેવકોએ સમગ્ર સેવા કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.