રાજ્યમાં ભીષણ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યાં છે, ખાસ કરીને અમદાવાદમાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે. લોકો બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યાં છે, ત્યારે અમદાવાદમાં રહેલી એક મહિલાઓ ગરમીથી બચાવવા પોતાની કારને ગાયના છાણથી લીંપણ કરી દીધું. અમદાવાદની મહિલાનો આ દેશી જુગાડ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે સેજલ શાહ નામની મહિલાએ તેમની આ અનોખી ટોયોટા કારનો ફોટો ફેસબુકમાં પોસ્ટ કર્યો હતો. જેમાં કારના ગ્લાસ સિવાય બાકીના બધા ભાગ પર ગાયના છાણનું લીપણ કરેલું છે.
રૂપેશ ગૌરાંગ દાસે આ ફોટો શેર કરીને સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, મેં અત્યાર સુધી ગાયનાં છાણનો આ પ્રકારનો ઉપયોગ ક્યારેય નથી જોયો. આ ફોટો અમદાવાદનો છે, જ્યાં ૪૫ ડિગ્રી ગરમીના ટેમ્પરેચરથી પોતાની કારને બચાવવા માટે મિસિસ સેજલ શાહે તેની પર ગાયનાં છાણનું પ્લાસ્ટર કરી દીધું છે. ખૂબ જ અદ્દભૂત ઠંડકનો પ્રયોગ!
ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયા પર તો અમુક લોકો આવી અટપટી પોસ્ટ પર પ્રતિક્રિયા આપવા માટે તૈયાર જ બેઠા હોય છે.
એક યુઝરે પૂછ્યું કે, આવું કરવાથી કારના માલિકને ડ્રાઈવ કરતી વખતે ગાયનાં છાણની વાંસ નથી આવતી? તો બીજી તરફ અમુક લોકોએ પૂછી રહ્યા છે કે, કારમાં આ રીતે કુદરતી ઠંડક મેળવવા માટે છાણનાં કેટલા લેયર કરવા પડે?