દેલવાડ ગામની નદીના કોતરોમાં ૨૦ દિવસથી દીપડો ફરી રહ્યો છેઃ ભયનો માહોલ

1005

છેલ્લા વીસેક દિવસથી દેલવાડના નદીના કોતરો વિસ્તારોમાં દિપડો ફરતો હતો. દિપડાએ અત્યાર સુધી બે ભુંડ અને બકરાનું મારણ કર્યું હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે. નદીના કોતર વિસ્તારોમાં દિપડો ફરતો હોવાનું ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી હતી. આ ગામોમાં દિપડો દેખા દઇ રહ્યો હોવાથી તેના રહેણાંક માટે સેફ સ્થળ હોય તેમ લાગી રહ્યું છે.

સાબરમતી નદી કિનારાના વીસેક કિલોમીટર વિસ્તારમાં દિપડાનો વસવાટ હોય તેમ છાશવારે નદી કિનારાના ગામોની કોતરોમાં જોવા મળી રહ્યો છે. પીંપળજ સહિતના ગામોમાં દિપડો દેખાયો હોવાના સમાચારને પગલે વન વિભાગની દોડધામ વધી જાય છે. જોકે વન વિભાગ દ્વારા દિપડાને પકડવા માટે અનેક વખત પાંજરા મુકવામાં આવ્યા હોવા છતાં દિપડો પકડમાં આવતો જ નથી. નદીના કોતર વિસ્તારોમાં દિપડાના પગલાં મળી રહ્યા છે. પરંતુ દિપડો એક જ જગ્યાએ રહેતો નહી હોવાથી તે બીજા ગામના સીમમાં જતો રહેતો હોય છે.

દિપડાએ પુન દેલવાડ ગામના નદીના કોતર વિસ્તારોમાં જોવા મળતા ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ગામના નદીના કોતર વિસ્તારોમાં દિપડો ફરતો હોવાના સમાચારને પગલે વન વિભાગ દ્વારા કોતરો વિસ્તારોમાં શોધખોળ શરૂ કરી દીધી છે. દેલવાડના નદીના કોતર વિસ્તારોમાં ફરતા દિપડાએ અત્યાર સુધી બે ભુંડ અને એક બકરાનું મારણ કર્યું હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે.

દેલવાડના નદીના કોતર વિસ્તારોમાં છેલ્લા વીસેક દિવસથી દિપડો ફરી રહ્યો છે. દિપડાએ ભુંડનું મારણ કર્યું હોવાની માહિતી મળતા દિપડાને પકડવા માટે બે પાંજરા નદીના કોતર વિસ્તારોમાં મુકવામાં આવ્યા છે. પાંજરામાં બકરાનું મારણ મુકાયું હોવાનું આરએફઓ બી.એન. દેસાઇએ જણાવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ ગાંધીનગર જિલ્લાના માણસા તેમજ આસપાસના કેટલાંક વિસ્તારમા પણ દિપડાના સગડ મળ્યા હતા. તે વખતે પણ વન વિભાગ દ્વારા દિપડાને પકડવા માટે પ્રયાસ કરવામા આવ્યા હતા.પરંતુ હવે છેલ્લા ૨૦ દિવસથી દેલવાડ ગામ નજીક નદીની કોતરોમા ફરી દિપડો દેખાયો હોેવાની વાતથી આ વિસ્તારમા પાંજરા ગોઠવાયા છે.

નદી કિનારાના કોતર વિસ્તારોમાં દિપડાનું રહેણાંક હોવાથી આસપાસના વીસેક કિલોમીટરમાં દિપડો જોવા મળી રહ્યો છે. આથી નદી કિનારાના દેલવાડ, પીંપળજ, પીંડારડા સહિતના ગામોને વન વિભાગ દ્વારા સતર્ક કરાયા છે. આ ઉપરાંત આ વિસ્તારમા જો કોઈ જગ્યાએ દિપડો જોવા મળે તો અંગે તાત્કાલિક વન વિભાગને જાણ કરવા જણાવાયુ છે.

Previous articleસ્વર્ણિમ પાર્કમાં અંદર અને બહાર કચરાના ગંજ
Next articleવીવીપેટ સ્લીપના વેરિફિકેશન માટેની ચૂંટણી પંચ સમક્ષ માંગ