લોકસભાની ચૂંટણીનું આજે પરિણામ

465

૧૭મી લોકસભાની રચના માટે ૭ તબક્કે યોજાયેલી ચૂંટણીની મત ગણતરી આજે સવારે ૮ વાગ્યે દેશભરમાં એક સાથે શરૂ કરવામાં આવશે. સાંજ સુધીમાં ફેંસલો થઈ જશે કે દિલ્હીના દરબારમાં કોણ રાજ કરશે ? એ બાબતનો પણ ફેંસલો થઈ જશે કે એકઝીટ પોલના તારણો સાચા છે કે પછી ખોટા છે ? દેશમાં એનડીએની સરકાર આવશે કે પછી યુપીએની ? એ બાબતને લઈને દેશભરમાં અટકળો અને અનુમાનોનુ મોજુ ફરી વળ્યુ છે.

લોકસભાની ૫૪૩ બેઠકોમાંથી ૫૪૨ બેઠકો માટે ચૂંટણી યોજવામાં આવી હતી. તામીલનાડુમાં એક બેઠક પરથી મોટા પ્રમાણમાં ચલણી નોટો મળતા એ બેઠકની ચૂંટણી રદ્દ કરવામાં આવી હતી. બાકી બચેલી ૫૪૨ બેઠકો માટે ૭ તબક્કે ચૂંટણી યોજવામાં આવી હતી અને અંતિમ ચરણનું મતદાન ૧૯મીએ સંપન્ન થયુ હતું.

આ ચૂંટણીએ માત્ર દેશમાં જ નહી પણ વિદેશમાં પણ ભારે ચર્ચા જગાવી હતી કારણ કે આ એક જ એવી ચૂંટણી રહી છે કે જેમાં મોદી વિરૂદ્ધ ઓલનો માહોલ સર્જાયો હતો. શાસક પક્ષ મોદીને ફરીથી લાવવા માટે તો વિપક્ષ મોદીને સત્તા ઉપરથી હાંકી કાઢવા માટે ચૂંટણી જંગમાં ઉતર્યા હતા.

લોકસભાની ચૂંટણીની મત ગણતરી સવારે ૮ વાગ્યે શરૂ થવાની છે આ માટેની તમામ તૈયારીઓ પુરી કરી લેવામાં આવી છે. સવારે ૧૨ થી ૧ સુધીમાં ટ્રેન્ડ ઉપરથી નક્કી થઈ જશે દિલ્હીમાં ફીર એક બાર મોદી સરકાર કે પછી અન્ય કોઈની સરકાર ? મોડી સાંજ સુધીમાં તમામ પરિણામો આવી જાય તેવી પુરેપુરી શકયતા છે. અત્રે નોંધનીય છે કે ૧૯મીએ અંતિમ તબક્કાના મતદાન બાદ વિવિધ ચેનલો ઉપરથી પ્રસારિત થયેલા એકઝીટ પોલમાં ભાજપ અને એનડીએની ફરીથી સરકાર આવે છે તેવા તારણો આપવામાં આવ્યા હતા. આ તારણો સાચા પડશે કે ખોટા ? તેનો ફેંસલો કાલે થઈ જવાનો છે.

આવતીકાલે મહત્વની બેઠકો જેમ કે વારાણસી, ગાંધીનગર, અમેઠી, નાગપુર, રાયબરેલી, ગુરૂદાસપુર, દિલ્હી, પશ્ચિમ બંગાળ ઉપર સૌ કોઈનું ધ્યાન કેન્દ્રીત રહેશે કારણ કે આ બધી બેઠકો ઉપર દિગ્ગજો ચૂંટણી લડી રહ્યા છે.

જેમા વડાપ્રધાન મોદીનો પણ સમાવેશ થાય છે. રાહુલ ગાંધી અમેઠી અને કેરળની વાયલાર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેમને અમેઠીમાં સ્મૃતિ ઈરાનીએ ભારે ટક્કર આપી છે. કોંગ્રેસ શાસિત રાજ્યો રાજસ્થાન, પંજાબ અને મધ્ય પ્રદેશમાંથી ભાજપ કેટલી બેઠકો મેળવે છે ? તે ઉપર પણ સૌ કોઈનું ધ્યાન કેન્દ્રીત થયુ છે. આ ઉપરાંત ભાજપનું મોડેલ સ્ટેટ ગુજરાતમાં ભાજપ ૨૦૧૪નું પુનરાવર્તન કરશે કે પછી તેમા પીછેહઠ થશે ? તે બાબતને લઈને પણ દેશભરમાં ભારે ચર્ચા છે.

Previous articleRISET-2B મિશન અંતે સફળ
Next articleખેડૂતો બિયારણની ખરીદીમાં છેતરાય નહીં તે માટે માર્ગદર્શિકા જાહેર કરાઈ