ખેડૂતો બિયારણની ખરીદીમાં છેતરાય નહીં તે માટે માર્ગદર્શિકા જાહેર કરાઈ

844

ચોમાસા પૂર્વેની તૈયારીરુપે ખેડૂતો દ્વારા પોતાની ખેતીની ચીજવસ્તુઓની ખરીદી શરુ થઈ ગઈ છે. જેમાં ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ વગેરે મુખ્ય હોય છે. મોંઘાભાવની આ ખરીદીમાં ખેડૂતો છેતરપિંડીનો ભોગ ન બને તે માટે રાજ્ય સરકારના ખેતીવિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.રાજ્યનો કૃષિ વિકાસ દર ઉત્તરોત્તર વધે તે માટે ખેડૂતોની મહેનત અને અધિકારીશ્રીઓની જહેમતને પગલે કૃષિ વિકાસ ક્ષેત્રે સમગ્ર ભારતમાં ગુજરાત અગ્રેસર છે. બિયારણ, જંતુનાશક દવા તથા રાસાયણિક ખાતરની ખરીદી કરતી વખતે ખેડૂતોએ શું ખાસ કાળજી રાખવી તેની વિશેષ માહિતી આપતા ખેતી નિયામકશ્રીએે જણાવ્યું છે કે, જંતુનાશક દવા, બિયારણ તથા રાસાયણિક ખાતરની ખરીદી હંમેશા તેના અધિકૃત લાયસન્સ/પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ અથવા તો પ્રતિષ્ઠિત વિક્રેતાઓ પાસેથી જ કરવાનો આગ્રહ રાખવો.

આ ઉપરાંત ખાતર, બિયારણ અને જંતુનાશક દવાની ગુણવત્તા અંગે કોઈ શંકા કે સંશય હોય તો આપના જિલ્લાના નાયબ ખેતી નિયામકશ્રી (વિસ્તરણ), મદદનીશ ખેતી નિયામકશ્રી (ગુ.નિ), ખેતીવાડી અધિકારીશ્રી/વિસ્તરણ અધિકારીશ્રી/ગ્રામસેવકનો સંપર્ક કરવા તથા આ અંગે કૃષિ ભવન ગાંધીનગરની કચેરીના ટેલીફોન નંબર૦૭૯-૨૩૨૫૬૦૮૨ ઉપર સંપર્ક કરી કચેરી સમય દરમિયાન રજૂઆત કે ફરિયાદ કરવા રાજ્યના ખેતી નિયામકશ્રી દ્વારા વિનંતી કરવામાં આવી છે.

Previous articleલોકસભાની ચૂંટણીનું આજે પરિણામ
Next articleપીએમ મોદી ફિલ્મનું શહેરમાં સ્ક્રિનિંગ યોજાયું