ભાવનગર શહેરમાં હત્યાનો સીલસીલો અટકયો ત્યાં આજે ધોળા દિવસે રસ્તામાં આંતરી રોકડ રકમની લૂંટનો બનાવ બનતા ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો દોડી ગયો હતો.
બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરના દેવરાજનગર-ર વિસ્તારમાં રહેતા અને દુધનો ધંધો કરતા ધર્મેન્દ્રસિંહ સરવૈયા આજે બપોરના સમયે દુધના કલેકશનના રૂા. ૧,૧૩,૩૬૦ વેપારીઓ પાસેથી ઉધરાવીને બેંકમાં જમાં કરાવવા માટે પોતાનું સ્કુટર લઈને જતા હતા ત્યારે સીતારામ હોસ્પિટલ નજીક ચાર બુકાનીધારી શખ્સોએત ેને અટકાવી અને બોલાચાલી કરીને એકસેસ સ્કુટરમાંથી ચાલી ઝુંટવી લઈને ધર્મેન્દ્રસિંહ પાસે રહેલી રોકડ રકમ ૧,૧૩,૩૦૦ની લૂંટ ચલાવી નાસી છુટયા હતાં.
આ બનાવ સંદર્ભે તુરંત જ ધર્મેન્દ્રસિંહે બી.ડીવીઝન પો.સ્ટે.માં જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને ચાર અજાણ્યા બુકાની ધારી શખ્સો સામે લૂંટનો ગુનો નોંધી સીસીટીવી કેમેરાના આધારે તપાસ હાથ ધરી હતી. ધર્મેન્દ્રસિંહે જણાવેલ કે આ તેનો નિત્ય ક્રમ છે. તેઓ દરરોજ દુધના નાણાનું કલેકશન કરીને બેંકમાં ભરવા જાય છે ત્યારે લૂંટમાં કોઈ જાણભેદુંનો હાથ હોવાનું પણ મનાઈ રહ્યું છે. આ બનાવ સંદર્ભે ચકચાર મચી જવા પામેલ છે.