ભાવનગર લોકસભાની બેઠક ઉપર સતત બીજીવાર ઐતિહાસિક લીડ સાથે ભાજપનાં ઉમેદવાર ડા.ભારતીબેન ધીરૂભાઇ શિયાળનો વિજય થતા ભાવનગર શહેર-જિલ્લા ભાજપ દ્વારા વિજ્યોત્સવ મનાવવા સાથે વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું.
ગત લોકસભાની ચૂંટણીમાં ૨.૯૫ લાખની લીડથી વિજેતા બની રેકોર્ડ સર્જ્યો હતો. તેને ૨૦૧૯ની ચૂંટણીમાં ભારતીબેન શિયાળે ૩.૨૬ લાખની લીડ મેેળવી પોતાનો જ રેકોર્ડ તોડ્યો હતો. અને ઐતિહાસિક વિજય મેળવ્યો હતો. આજે વિજય મળતાની સાથે જ મત ગણતરી કેન્દ્ર સરકારી ઇજનેરી કોલેજ ખાતે ભાજપના આગેવાનો અને કાર્યકરો પહોંચી ગયા હતા અને વિજય મેળવવા બદલ ભારતીબેન શિયાળને શુભેચ્છા પાઠવી હતી.
સતત બીજીવખત ભાવનગર લોકસભા બેઠખ ઉપરથી ભવ્ય વિજય થતા ભાજપ દ્વારા ભારતીબેનના વિજયનાં વધામણાં સ્વરૂપે વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. બપોરે ૩ કલાકે મત ગણતરી સ્થળ એન્જીનીયરીંગ કોલેજ હનુમાન મઢીથી ખુલ્લી જીપ અને અન્ય વાહનો સાથે ભારતીબેન શિયાળનું વિજય સરઘસ શરૂ કરવામાં આવ્યું હતું. જે આર.ટી.ઓ. થઇ શાસ્ત્રીનગરા, વિઠ્ઠલવાડી, નિલમબાગ, જેઇલરોડ, શહેર ભાજપ કાર્યાલય, કાળાનાળા, કલેકટર કચેરી, મોતીબાગ રોડ, ઘોઘાગેઇટ, હાઇકોર્ટ રોડ, મોખડાજી સર્કલ થઇ શિવાજી સર્કલે સમાપન કરવામાં આવ્યું હતું. વિજય સરઘસમાં ભાજપ પ્રમુખ સનતભાઇ મોદી, મેયર મનભા મોરી, ભાજપના હોદ્દેદારો, વિભાવરીબેન દવે, વક્તુબેન મકવાણા સહિત આગેવાનો, નગરસેવકો, કાર્યકરો વિશાળ સંખ્યામાં જોડાયા હતા. વિજય સરઘસનાં રૂટ ઉપર લોકો દ્વારા ઠેર ઠેર ભારતીબેનનું સ્વાગત કરી શુભેચ્છા પાઠવી હતી અને ભાજપ કાર્યાલય સહિત વિવિધ સર્કલોમાં કેસરીયા ધજા-પતાકા સાથે ફટાકડાની ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી.