લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં તેજી આવી. ગુરૂવારે આવેલા પરિણામો બાદ શુક્રવારે પેટ્રોલ ૧૪ પૈસા અને ડીઝલ ૧૬ પૈસા મોંઘુ થઇ ગયું છે. આ પહેલાં ગુરૂવારે (૨૩ મે)ના રોજ પણ પેટ્રોલના ભાવમાં ૮ પૈસા અને ડીઝલના ભાવમાં ૯ પૈસાની તેજી આવી હતી. શુક્રવારે સવારે દિલ્હીમાં પેટ્રોલના ભાવ ૧૪ પૈસાની તેજી સાથે ૭૧.૩૯ રૂપિયાના સ્તર પર અને ડીઝલ ૧૬ પૈસાની બઢત સાથે ૬૬.૪૫ના સ્તર પર પહોંચી ગયો. આ પહેલાં ગુરૂવારે પેટ્રોલના ભાવ ૭૧.૨૫ રૂપિયા અને ડીઝલ ૬૬.૨૯ રૂપિયા પ્રતિ લીટર હતું. આ સતત પાંચમો દિવસ છે જ્યારે પેટ્રોલના ભાવમાં તેજી આવી છે. મેના બીજા અઠવાડિયામાં પેટ્રોલના ભાવમાં ૨ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલમાં ૧ રૂપિયો પ્રતિ લીટર સુધીનો ઘટાડો આવ્યો હતો. ત્યારબાદ ઓઇલના ભાવ સતત વધી રહ્યા છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઇલના ભાવમાં તેજી આવી છે. શુક્રવારે ડબ્લ્યૂટીઆઇ ક્રૂડ ૦.૪૯ ડોલરના ઉછાળા સાથે ૫૮.૪૦ ડોલર પ્રતિ બેરલના સ્તર પર પહોંચી ગયો. તો બીજી તરફ બ્રેંટ ક્રૂડ ૦.૫૦ ડોલર પ્રતિ બેરલ વધીને ૬૮.૨૬ ડોલરના સ્તર પર જોવા મળ્યો. વાયદા બજારમાં પણ ક્રૂડ ઓઇલના વાયદાના સોદામાં સામાન્ય તેજી જોવા મળી. દિલ્હી, મુંબઇ, કલકત્તા અને ચેન્નઇમાં પેટ્રોલના ભાવ ક્રમશઃ ૭૧.૩૯ રૂપિયા, ૭૬.૯૮ રૂપિયા, ૭૩.૪૩ રૂપિયા અને ૭૪.૦૭ રૂપિયાના સ્તર આવી ગયા. બીજી તરફ ડીઝલના ભાવમાં ૧૬ થી ૧૭ પૈસાની તેજી જોવા મળી. આ તેજી બાદ દિલ્હી, મુંબઇ, કલકત્તા અને ચેન્નઇમાં ભાવ ક્રમશઃ ૬૬.૪૫ રૂપિયા, ૬૯.૦૬ રૂપિયા, ૬૮.૧૮ રૂપિયા અને ૭૦.૨૨ના સ્તર પર જોવા મળ્યા.
સ્થાનિક ઓઇલ કંપની દરરોજ પેટ્રોલ-ડીઝલના ભાવની સમીક્ષા કરે છે અને નવા ભાવ સવારે ૬ વાગ્યાથી પેટ્રોલ પંપો પર લાગૂ થાય છે. ઓઇલ કંપનીઓ આંતરરાષ્ટ્રીય બજારમાં ઓઇલના ભાવના આધારે ઘરેલૂ કિંમતો નક્કી કરે છે. તેના માટે ૧૫ દિવસની સરેરાશ કિંમતને આધાર બનાવવામાં આવે છે. આ ઉપરાંત રૂપિયો અને ડોલરના વિનિમય દરથી ઓઇલના ભાવ પ્રભાવિત થાય છે.