આપણી સંસ્કૃતિ પણ આપણને શીખવે છે કે તમે સારા બનો, સુંદર બનો. એટલે આપણે શારીરિક રીતે સુંદર થવું એવું નથી. આપણી માનસિકતાને બદલવાની છે. તેને યોગ્ય દિશા આપવાની છે. આપણને એમ છે કે, જો મારી પાસે બધા કરતાં સારી નોકરી હોય તો હું સારો દેખાઈશ. જો મારી પાસે બધા કરતા વધુ કીર્તિ હશે તો હું સારો લાગીશ. જો મારો પગાર બધા કરતાં સારો હશે તો હું સારો લાગીશ. પરંતુ વાસ્તવિકતા શું છે? લંડન યુનિવર્સિટીના ચાન્સેલર રુડ્યાર્ડ કિપ્લિંગ પદવી સમારંભમાં પોતાના વિદ્યાર્થીઓને કહે છે કે ‘તમે બધા આ યુનિવર્સિટીમાંથી વિદાય લઈ રહ્યા છો. તમને સારી નોકરી મળશે, સારો પગાર મળશે અને કીર્તિ પણ મળશે. પણ યાદ રાખો કે એક દિવસ આવશે જ્યારે તમે એવા માણસને મળશો કે જેની પાસે આમાંથી એક પણ વસ્તુ નહિ હોય. છતાં એમની આગળ તમને નાનપનો અનુભવ થશે, કારણ કે એમની પાસે ચારિત્ર્ય હશે.’ એટલે કે આપણે ઉજળા થવાનું છે પણ સાબુ કે શેમ્પુથી નહીં પરંતુ ચારિત્ર્યથી. આપણે સારા દેખાવાનું છે ધનથી નહીં પરંતુ ચારિત્ર્યથી. કારણ કે ચારિત્ર્ય એ આપણી સંસ્કૃતિનો આધાર સ્તંભ છે.
ચારિત્ર્યમાં ધર્મ, નિયમ, વિવેક, સદાચાર, મદદ વગેરે અનેક ગુણોનો સમાવેશ થાય છે. પરંતુ તેમાંથી મુખ્ય હોય તો તે છે સંયમ. કારણ કે ભગવાન સ્વામિનારાયણે લોયા પ્રકરણના છઠ્ઠા વચનામૃતમાં કહ્યું છે, ‘ધર્મસંબંધી સાધનમાં એક નિષ્કામપણું હોય તો સર્વે સાધન આવે.’ એટલે કે જો સંયમનું યથાર્થ પાલન કરવામાં આવે તો બીજા ગુણો પણ વિના પ્રયાસે પ્રાપ્ત થાય છે. ગૃહસ્થ માટે એક નારી સદા બ્રહ્મચારી એ સંયમ છે અને સાધુ માટે અષ્ટપ્રકારે સ્ત્રીનો સંગ ન કરવો તે સંયમ છે.
ખરેખર જે લોકો સંયમના પથ પર ચાલ્યા છે તેમણે અસાધારણ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. સ્વામી વિવેકાનંદનું નામ તો આપણે સાંભળ્યું જ છે. તેમની છેલ્લી માંદગીની અવસ્થામાં પોતે પાણી પણ લઈ નહોતા શકતા તે સમયની વાત છે. આવા સમયમાં તેમણે એન્સાઈક્લોપીડિયા બ્રિટાનિકાની નવી આવૃત્તિ વાંચવાની શરૂ કરી અને કંઠસ્થ કરી લીધી. શિષ્ય શરદચંદ્રએ પ્રશ્ન પૂછીને ચકાસણી પણ કરી. સ્વામીજીની યાદશક્તિ જોઈને શરદચંદ્ર તો આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો. તે વખતે વિવકાનંદ સ્વામી કહે છે, ‘આમાં કશી નવાઈની વાત નથી.’ પછી આ પોતાની યાદશક્તિનું રહસ્ય જણાવતા કહે છે, ‘જો મનુષ્ય બ્રહ્મચર્યનું પાલન કડકપણે કરે તો એકવાર પણ વાંચ્યું હોય કે સાંભળ્યું હોય તે ક્યારેય ભુલાતું નથી.’
સંયમ અને ચારિત્ર્ય એ આપણો પાયો છે. ઈમારત ગમે તેટલી ઊંચી બાંધશો, તેને રોશનીથી તમે શણગારશો પરંતુ જો પાયો કાચો હશે તો જરૂર એક દિવસ તે પડશે જ. તેમ આપણા જીવનનો પાયો ચારિત્ર્ય છે. તેને ભૂલીને આપણે ગમે તેટલા કોસ્મેટિકનો ઉપયોગ કરી શરીરને શણગારીશું પરંતુ જો ચારિત્ર્યનો પાયો કાચો હશે તો તમે બધું જ ગુમાવ્યું છે. આ જ વાતને એક અંગ્રેજી લેખકે કહી છે. તેનો ભાવાર્થ – ‘જો તમે સમૃદ્ધિ ગુમાવી તો કંઈ જ નથી ગુમાવ્યું, જો તમે તંદુરસ્તી ગુમાવી તો તમે કંઈક ગુમાવ્યું છે. પરંતુ જો તમે ચારિત્ર્ય ગુમાવ્યું તો બધું જ ગુમાવ્યું છે.’ ભગવાન સ્વામિનારાયણ પણ નિષ્કામધર્મનો ખૂબ આગ્રહ રખાવતા. ગઢડા મધ્ય પ્રકરણના ૩૩માં વચનામૃતમાં કહે છે કે, ‘અમને અતિશય દૃઢ નિષ્કામી હરિભક્તના હાથની સેવા જ ગમે છે. નિષ્કામી વર્તમાન રાખે તે જ અમને વહાલો છે.’ તો ચાલો, વચનામૃત દ્વિશતાબ્દી નિમિત્તે આપણે પણ નિર્ણય કરીએ કે હું ચારિત્ર્યના પાયા પર જ મારી જીવનરૂપી ઈમારતને ચણીશ.(ક્રમશઃ)