આગામી અંદાજે એક વર્ષ માટે ધનરાશિમાં થનાર ગુરૂનાં ભ્રમણનો મેષથી મકર રાશિ ધરાવનાર જાતકો ઉપર શું પ્રભાવ પડશે તે અગાઉનાં હપ્તામાં આપણે જોઇ ગયા. હવે કુંભ તથા મીન રાશિ ધરાવતી વ્યક્તિઓ ઉપર આ ગુરૂનાં ભ્રમણની શું શુભાશુભ અસરો થસે તે જોઇએ.
કુંભ રાશિ : (ગ-શ-સ) આપને અગિયારમે લાભસ્થાનમાં પસાર થનાર ગુરૂની ત્રીજે, પાંચમે તથા સાતમે સંપન્ન થતી દ્દષ્ટિ આપના અટવાયેલા તથા વિલંબમાં પડેલા પ્રશ્નો તથા કાર્યોનો હવે સુખદ ઉકેલ આવશે. ઉત્સાહ તથા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ, વ્યક્તિત્વ તથા પ્રતિભામાં સાનુકૂળ પરિવર્તન તથા પોતાની વ્યક્તિગત પ્રગતિનાં નિર્દેશ મળી રહ્યાં છે. છેલ્લા કેટલાક સમયથી જો હતાશા – નિરાશા મહસુસ કરી રહ્યાં હશો તો તે હવે દૂર થતી જશે. લોકપ્રિયતામાં વધારો થાય. ભ્રાતૃવર્ગ તરફથી સહકાર મળે. સંપત્તિ, વાહન, મિલ્કતનાં પ્રશ્ને પ્રગતિ તથા જે જન્મગ્રહોનો સધિયારો હશે તો શેર-સટ્ટા-વારસા અગર એવી અન્ય કોઇ રીતે અચાનક ધન લાભ પ્રાપ્ત થવાનાં યોગ છે. સંતાન વર્ગનાં અભ્યાસ લગ્ન કે વિવાહ બાબતનાં મુંઝવતા પ્રશ્નો ઉકેલાય. લગ્નજીવનની અશાંતિ કે અબોલાવાળી ગેરસમજો વાળી પરિસ્થિતિ શાંત પડતી જાય. લગ્ન પછી સંતાન થવામાં વિલંબ થયો હોય તેવા કિસ્સાઓમાં સંતાન સુખ શક્ય બને. આવકમાં વધારો થતાં નાણાંભીડ ઓછી થાય. મહિલાઓને પરિવાર, પતિ, સંતાન, મિત્રો તેમજ પિયરપક્ષનાં સહકાર તથા ઉન્નતિથી આનંદ રહે પોતાની યોગ્ય કદર થાય. વિદ્યાર્થી વર્ગને જીવન ઘડતર તથા અભ્યાસમાં સફળતા માટે સારો નોંધપાત્ર તબક્કો પૂરવાર થાય.
મીન રાશિ (દ-ચ-ઝ-થ) : આગામી અંદાજે એક વર્ષ માટે દસમે કર્મ સ્થાન પર રહીને બીજે ધનસ્થાન પર ચતુર્થ માતૃસ્થાન પર, તથા છઠ્ઠે શત્રુ સ્થાન પર દ્રષ્ટિ કરતા, ગુરૂ મહારાજ હવે આપનાં કાર્યક્ષેત્રમાં નવી જિમ્મેવારીઓ, કાર્યબોજ તથા અન્ય શુભ પરિવર્તનોનું સૂચન કરી રહ્યાં છે. નોકરિયાત વર્ગ માટે વાતાવરણ થોડું કષ્ટકર્તા તથા રૂકાવટકર્તા બની રહેશે. વિદેશ જવા વાગતા ભાઇ બહેનોની કાર્યવાહીમાં પરિસ્થિતિ પ્રમાણમાં સાનુકૂળ જનક બની રહે છે. ઘર, જમીન, વાહન, મકાન, કે પૈતૃક સંપત્તિ બાબત પણ પ્રમાણમાં અનુકૂળતા અનુભવાય. જે જન્મગ્રહોની સાનુકૂળતા હશે તો આ કરતા પણ વધારે સારા નિવાસસ્થાન કે કાર્યાલય પ્રાપ્ત થવાનાં યોગ પ્રબળ બન્યાં છે. સંતાન વર્ગ બાબત ગુપ્તચિંતા, વિવાદ અને વિચાર ભેદમાં આવરણ આવે. વ્યવહારિક, સામાજિક, સંબંધોમાં કડવાટ વ્યગ્રતા ઉચાટ રહ્યા કરે. વડિલવર્ગના આરોગ્ય બાબત ચિંતા રહે. મહિલાઓએ પારિવારિક, સાંસારીક પ્રશ્નો પરત્વે આવેશ, ઉશ્કેરાટ, વિવાદ તથા મન-દુઃખ રખાવે. કાનૂની કોર્ટ કચેરી, સંબંધિત બાબતે સાવધાનકારી વલણ અખત્યાર કરવું આપનાં માટે હિતાવહ રહેશે.
અંગત મુંઝવતા પ્રશ્નોમાં સમાધાન માટે વાચર ભાઇ-બહેનો મો.નં.૯૮૯૮૪૦૯૭૧૧ અગર ૯૪૨૮૩૯૬૩૩૬ ઉપર સંપર્ક કરી નિરાકરણ પ્રાપ્ત કરી શકશે.