સુરતનાં સરથાણા ખાતે ગઇકાલે ટ્યુશન ક્લાસીસમાં ભયાનક આગની ઘટનામાં ૨૨ જેટલા બાળકોનાં મોત થયાની ઘટનાનાં પડઘા રાજ્યભરમાં પડ્યા છે. જેનાં ભાગરૂપે ભાવનગરનું તંત્ર પણ હરકતમાં આવ્યું હતું અને કમિશ્નરે મીટીંગો કર્યા બાદ ભાવનગર શહેરમાં ફાયર સેફ્ટી વીના ચાલતા ટ્યુશન ક્લાસીસ સીલ કરવાનાં આદેશ આપતા અલગ અલગ ટીમો બનાવી શહેરમાંથી ૧૫ થી વધુ ટ્યુશન ક્લાસીસ સીલ કરી દેવાયા હતા. જો કે તંત્ર દ્વારા છેક બપોરનોં સમયે કામગીરી શરૂ કરાતા મોટાભાગનાં ટ્યુશન બંધ થઇ ગયા હતા અને કેટલાકે રાતો રાત સેફ્ટી સાધનો લગાવી દીધા હતા.
સુરત શહેરમાં આગની ઘટના બાદ સરકારી તંત્ર હરકતમાં આવ્યું છે. રાજ્ય સરકારના આદેશના પગલે ભાવનગર મહાપાલિકા દ્વારા શહેરમાં વિવિધ સ્થળોએ ચાલતા ટ્યુશન ક્લાસને સીલ મારી દેવામાં આવ્યા છે.
મહાપાલિકા કમિશ્નર એમ.એ.ગાંધીએ અધિકારીઓ સાથે બેઠક યોજ્યા બાદ મહાપાલિકાના અધિકારીઓ તથા સ્ટાફ તેમજ ફાયર બ્રિગેડ ટીમે શહેરના વાઘાવાડી રોડ પર આવેલ નેબ્યુલા ટ્યુશન ક્લાસ, એમ.પી.ત્રિવેદી ઉપરાંત કાળીયાબીડ, ઘોઘાસર્કલ, શહેર ફરતી સડક સહિતના વિસ્તારોમાં આવેલ ૧૫ થી વધુ ટ્યુશન ક્લાસને સીલ મારી દીધા હતા.
મહાપાલિકા તંત્ર દ્વારા ગત નવેમ્બર માસમાં ટ્યુશન ક્લાસ સંચાલકોને નોટીસ મોકલવામાં આવી હતી. પરંતુ તંત્ર દ્વારા કોઇપણ જાતની કાર્યવાહી કરવામાં આવી ન હતી. સુરતની ઘટના બાદ તંત્રએ ના છુટકે કાર્યવાહી કરવાની ફરજ પડી હતી.
ભાવનગર શહેરમાં સેફ્ટી સાધનો વિના અને મંજુરી વગર અસંખ્ય ટ્યુશન ક્લાસીસ અને ખાનગી શાળાઓ ચાલી રહી છે. જેમાં તંત્ર દ્વારા નોટીસ પણ આપી નથી. ત્યારે આવી શાળાઓ અને ટ્યુશન ક્લાસીસમાં બાળકોની સલામતીને ધ્યાનમાં રાખીને નોટીસ આપવાની રાહ જોયા વિના તપાસ કરીને કડક કાર્યવાહી કરવા પણ લોકમાંગ ઉઠવા પામી છે. જો કે ભાવનગરમાં તંત્ર દ્વારા છેક બપોરના સમયે તપાસ તથા સીલ મારવાની કામગીરી કરાતા મોટાભાગનાં ક્લાસીસો બંધ થઇ ગયા હતા. જ્યારે કેટલાકે રાતોરાત સેફ્ટીના સાધનો લગાવી દીધા હતા.