નર્મદા ડેમ પાસે કેવડિયા નજીક બનાવવામાં આવેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્ય્યુ ઓફ યુનિટીમાં મોદી સરકારને પ્રચંડ જીત મળ્યાં પછી પ્રવાસીઓનો ઘસારો પણ અચાનક વધી રહ્યો છે. લોકસભા ચૂંટણીમાં ભવ્ય જીત બાદ ૨ દિવસમાં જ ૩૪ હજાર પ્રવાસીઓ આવ્યાં છે. જેના કારણે ૫૦ લાખ રૂપિયા કરતા પણ વધારે આવક થઇ છે. આજે એટલે કે ૨૬મીએ રવિવારે તો ૧૨ વાગ્યા સુધીમાંજ ૧૫ હજાર પ્રવાસીઓ આવ્યાં હતાં. જેના કારણે ટિકિટ વેચવાનું બંધ કરવાની સ્થિતિનું નિર્માણ થયું હતું. જેના કારણે પ્રવાસીઓમાં રોષ જોવા મળ્યો હતો.પ્રવાસીઓને એકપણ ટિકિટ મળી રહી ન હતી તે ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ચાલતી હેલિકોપ્ટર સેવા પણ બંધ થઇ જતાં પ્રવાસીઓ નિરાશ થયા હતાં.
મહત્વનું છે કે સ્ટેટ્યૂ ઓફ યુનિટીનાં લોકાર્પણનાં ૬ મહિનામાં એટલેકે ૩૧ એપ્રિલ સુધીમાં ૧૩,૭૩,૫૨૩ પ્રવાસીઓએ મુલાકાત લીધી લીધી હતી. સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટને ૬ મહિનામાં ૩૪,૪૮,૫૩,૮૫૩ રૂપિયાની અધધધ આવક થઇ હતી. અને અત્યારે તો ઉનાળું વેકેશન ચાલી રહ્યું છે જેના કારણે પ્રવાસીઓમાં મોટી સંખ્યામાં આવી રહ્યાં છે.
થોડા સમય પહેલા જિલ્લાના કલેક્ટર આઈ. કે. પટેલે જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લો પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતો જિલ્લો છે અને અહીં રહેવા સરદાર સરોવર નર્મદા બંધ ને કારણે પણ અહીં દર વર્ષે ૫ લાખ જેટલા પ્રવાસીઓ આવતા હતા. સ્ટેટ્યુ ઓફ યુનિટી બન્યા બાદ આ પ્રવાસીઓમાં ઘણો વધારો થયો છે. ત્યારે હાલ ઉનાળાની ઋતુ છે પરંતુ આગામી ચોમાસામાં જિલ્લાનું પ્રાકૃતિક સૌંદર્ય નિખરી ઉઠશે ત્યારે પ્રવસીઓમાં હજી પણ વધારો થશે.