સુરત અગ્નિકાંડ બાદ રાજ્યભરમાં ફાયર સેફ્ટી મુદ્દે કડક નિયમોનુ પાલન કરાવવા માટે પ્રયાસો હાથ ધરવામા આવી રહ્યા છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને લો અને હાઈ રાઇઝ બિલ્ડીંગમાં ચાલતા એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશનલ, કોલેજ, સ્કૂલ જેવી શૈક્ષણિક ઇત્તર પ્રવૃત્તિ ચલાવતી સંસ્થાઓની ફાયર સેફ્ટી મુદ્દે બે ફોર્મ બહાર પાડીને છટકબારી શોધી લીધી છે. જેમાં ફાયર વિભાગ એનઓસી આપશે, પણ તેમાં થતી તમામ દુર્ઘટના માટેની જવાબદાર એનઓસી માંગનારની રહેશે. જો એનઓસી મળી ગઈ હોય અને તમામ નિયમોનું પાલન કરવામાં આવ્યું હોય છતાં કોઈ દુર્ઘટના બને તો તેની જવાબદારી એએમસીની રહેશે નહીં. આ અંગે અમદાવાદ મ્યુનિસિલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું હતું કે, એનઓસી લીધા બાદ તેમની(એનઓસી લેનારની) જવાબદારી રહેશે. ફાયર વિભાગના અધિકારીઓ શરૂઆતમાં જશે અને વચ્ચે પણ ઇન્સ્પેકશન માટે જશે.
બીજી તરફ બિલ્ડીંગ સંચાલકોએ ફાયર સેફ્ટીનું વાર્ષિક મૂલ્યાંકન પણ કરાવવું પડશે, તેના માટે ખાસ કોન્ટ્રાકટ આપીને તેની નોંધ રાખવી પડશે. આ બધી ગુંચવડોને કારણે બિલ્ડીંગ મેન્ટેનન્સ ખર્ચ વધશે. તેની સાથે ફાયર સેફ્ટીનુ મૂલ્યાંકન કરતા કોન્ટ્રાકટરોના રાફડા ફાટી નીકળે તેવી ભીતિ સેવાઈ રહી છે.
એએમસીએ શૈક્ષણિક સંસ્થાઓ માટે એનઓસી મેળવવા માટે કોર્પોરશન દ્વારા બે ફોર્મ જાહેર કરવામાં આવ્યા છે. આ ફોર્મ મુજબ હવે બિલ્ડીંગમાં ૪૦ મુદ્દાની માહીતી આપવામાં આવશે. જેમાં બિલ્ડીંગ સંચાલકની માહિતી, ક્લાસીસના દરવાજા, તેની લંબાઇ પહોળાઇ, ક્લાસીસની માન્યતાથી લઈ ઇમરજન્સી એક્ઝિટ તેમજ ધાબાની સ્થિતિ સુધીની વિગતો આપવાની રહેશે.
આ ઉપરાંત દરેક બિલ્ડીંગનો વાર્ષિક ફાયર મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ આપવાની સાથે એક સોંગદનામુ આપવાનું રહેશે. તેની સાથે સાથે તેઓ રાજ્ય સરકારના નિયમોથી લઇને ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફ્ટી મેઝર્સ એક્ટ ૨૦૧૩/૧૪ મુજબ નિયમોનુ પાલન કરી રહ્યા છે. જો બિલ્ડીંગમાં ફાયરસેફ્ટી વક’ગ કંડીશનમાં નહીં હોય તેમજ એનઓસી રિન્યૂ ન કરાવી હોય ત્યારે આગની દુર્ઘટનામાં કોઇ જાનહાનિ થાય તો એએમસી કે ફાયર વિભાગ જવાબદાર નહીં રહે.
ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા ફાયરસેફ્ટી સિસ્ટમનું ફાઇનલ ઇન્સ્પેક્શન કરવામાં આવે ત્યારે તેમની હાજરીમાં ઇન્સપેક્શનની કાર્યવાહી તેમજ સાધનોના ઇન્સ્ટોલેશનની વિડીયોગ્રાફી કરી તેને પેન ડ્રાઇવમાં વિડીયો ડોક્યુમેન્ટ તરીકે રજૂ કરવાના રહેશે. આઇએસઆઇના ધારા ધોરણ મુજબ સિરીયલ નંબર દ્વારા ખરીદાયેલા સાધનોના બિલની કોપી અને ફાયર લિફ્ટ લાયસન્સની કોપી પણ આપવી પડશે. આ વિગતો આપ્યા બાદ સિટી સિવિક સેન્ટરમાં ફોર્મ જમા કરાવ્યા બાદ ચીફ ફાયર ઓફિસર એનઓસી આપશે.