વામૈયા ગામમાં અનુ. જાતિના લોકોનો બહિષ્કાર, ખુદ કલેક્ટર અને SP સુલેહ કરવા દોડી ગયા

964

વામૈયા ગામમાં અનુસૂચિત જાતિના લોકોનો ગામલોકોએ બહિષ્કાર કર્યો હતો. એ જાતિમાંથી આવતા લોકો સાથે ગ્રામજનોએ કરિયાણું, રોજગારી સહિતના બંધનો લાદી દીધા હતા. ઘટનાની જાણ થતાં કલેક્ટર આનંદ પટેલ, એસપી શોભા ભૂતડા ગામમાં દોડી જઈને બેઠક યોજીને સુલેહ કરાવ્યો હતો. સાથે જ કોઈપણ પ્રકારનો ફરી બહિષ્કાર કરવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી આપી હતી.

પ્રસંગમાં ઢોલ વગાડવા બોલાતા ન જતાં માર માર્યોઃ પ્રસંગમાં ઢોલ વગાડવા માટે અનુસૂચિત જાતિના વ્યક્તિને બોલાવ્યા હતા. પરંતુ તે કોઈ કારણસર ગયો ન હતો. જેનું મનદુઃખ રાખીને ઢોલ વગાડનારના ઘરે જઈને ૩ શખ્સોએ તેને માર માર્યો હતો. આ મામલે પોલીસે ૩ શખ્સોની સામે એટ્રોસિટી એક્ટ અંતર્ગત ફરિયાદ નોંધી છે.

ઘટનાને પગલે વહીવટી અને પોલીસ તંત્ર દોડતું થયુંઃ વામૈયામાં અનુસૂચિત જાતિના લોકોના સામાજીક બહિષ્કારને પગલે પાટણ જિલ્લા કલેક્ટર આનંદ પટેલ, જિલ્લા પોલીસ વડા શોભા ભૂતડા, ડીવાયએસપી જે. ટી. સોનારા, પ્રાંત અધિકારી, મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓ ગામમાં દોડી જઈને ગ્રામજનોને સમજાવવા માટે બેઠક યોજી હતી.

ગામવાસીઓને હળીમળીને રહેવા અનુરોધઃ ગામમાં દોડી ગયેલા અધિકારીઓએ ગામવાસીઓને અનુરોધ કર્યો હતો કે સૌ સાથે હળીમળીને રહો. અનુસૂચિત જાતિના લોકો સાથે કોઈપણ પ્રકારનો ભેદભાવ કે બહિષ્કાર કરવો નહીં. એમ કરવામાં આવશે તો સંવૈધાનિક કાયદેસરની કાર્યવાહી કરવા સુધીના પગલાં લેવાની ચીમકી પણ અપાઈ હતી.

પાટણ-બનાસકાંઠાના અનુસૂચિત જાતિ સંગઠનો દોડી ગયાઃ વામૈયા ગામમાં અનુસૂચિત જાતિના લોકોનો બહિષ્કારનો મામલો સામે આવતા એસસી સંગઠનો ત્યાં દોડી ગયા હતા. તેમાં બનાસકાંઠા વાલ્મિકી યુવા સંગઠનના સરદાર પુરબીયા, અનુસૂચિત જાતિ એકતા મંચના પ્રમુખ હરગોવન પરમાર, નવસર્જન ટ્રસ્ટના નરેન્દ્ર પરમાર હાજર રહ્યા હતા.

Previous articleસવર્ણ અનામતને કારણે ગુજરાતને પ્રોફેશનલ કોર્ષમાં ૧૦% બેઠકોનો ફાયદો, ચાલુ વર્ષથી અમલ
Next articleમોદીની સુનામી બાદ વિપક્ષ વિવિધ રાજ્યોમાં મુશ્કેલીમાં