અમદાવાદ શહેર પોલિસ કમિશનર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય અંતર્ગત ફાયર સેફ્ટીનું એનઓસી ધરાવતા ક્લાસીસને ચાલુ રાખવામાં આવશે. એટલે કે જેની પાસે એનઓસી છે તે લોકો પોતાના ક્લાસીસ હવેથી ચાલુ રાખી શકશે. પરંતુ સૌથી મહત્વની વાત એ કરવામાં આવી છે કે આ તમામ ટ્યુશન ક્લાસીસ પર પોલિસની નજર રહેશે. આ પહેલાં પોલીસ કમિશનર દ્વારા ૨૩ જુલાઈ સુધી ક્લાસીસ બંધ રાખવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું.મહત્વનું છે કે સૂરતમાં એક ક્લાસીસમાં લાગેલી આગમાં ૨૩ જેટલા બાળકો મૃત્યુ પામ્યાં હતાં. ત્યારે આ ઘટના બાદ ગુજરાતના દરેક શહેરમાં ફાયર સેફ્ટીના નિયમોને નેવે મુકીને ચાલતા ટ્યુશન ક્લાસીસ પર તવાઈ બોલાવવામાં આવી હતી. અને તમામ ટ્યૂશન ક્લાસીસ પાસે ફાયર સેફ્ટીના ચોક્કસ સાધનો હોય તેના માટે કાર્યવાહી કરવામાં આવી હતી.
તંત્ર દ્વારા શૈક્ષણિક સંસ્થાનો ઉપરાંત અન્ય સાર્વજનિક જગ્યાઓ પર પણ ફાયર સેફ્ટીના નિયમો અને ગેરકાયદે બાંધકામ ધ્વસ્ત કરવા મોટા પ્રમાણમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં ટ્યૂશન સંચાલકોના સ્થળો પર મોટાપ્રમાણમાં નિયમભંગ થતો પણ સામે આવ્યો છે.જેની સામે પગલાં લેતાં નોટિસો ફટકારવામાં આવી છે.