ગાંધીનગર સિવિલમાં ૬૦૦ બેડની હોસ્પિટલમાં કરવામાં આવેલો ભ્રષ્ટાચાર ઉડી ઉડીને આંખે વળગે છે. આ બિલ્ડીંગમાં નળમાંથી તો પાણી આવતું નથી પરંતુ છત અને દિવાલમાંથી ગમે ત્યારે પાણી ટપકવાનું શરૂ થઇ જાય છે. સિવિલ હોસ્પિટલના ત્રીજા માળે આવેલા સર્જિકલ ઓપરેશન થિયેટરમાં આજે એકાએક ચોખ્ખુ પાણી ફરી વળ્યું હતું. આ પાણી ક્યાંથી આવ્યું તે અંગે તપાસ કરવામાં આવી તેમ છતાં કોઇ પત્તો લાગ્યો નથી.
હોસ્પિટલ બનાવવામાં પીઆઇયુએ કરેલાં ભ્રષ્ટાચાર આજે હોસ્પિટલ સ્ટાફ અને દર્દીઓને ભોગવવાનો વારો આવ્યો છે. ગાંધીનગરની ૬૦૦ બેડની હોસ્પિટલમાં દરેક માળે છતમાંથી પાણી ટપકે છે. એટલું જ નહીં કેબલ મારફતે આ પાણી લીફ્ટમાં અને ઇલેકટ્રીક રૂમમાં પણ ઘુસી ગયું હતું.
જેથી અગાઉ શર્ટડાઉન કરવાની નોબત આવી હતી. ત્યારબાદ આ પાણી ક્યાંથી આવે છે તે શોધી કાઢીને તેનું નિરાકરણ કરવામાં આવ્યું હોવાનો દાવો પીઆઇયુના નિષ્ણાંતો દ્વારા કરવામાં આવતો હતો પરંતુ ત્યારબાદ પાણી ટપકવા અને ભરાવવાનો સીલસીલો ચાલુ જ રહ્યો હતો. પાણી ભરાવવાના કારણે લીફ્ટ સહિત વી.આઇ.પી. વોર્ડના ત્રણ રૂમ બંધ છે ત્યારે આજે ત્રીજા માળે સર્જીકલ ઓટીમાં પાણી ફરી વળ્યું હતું.
પાણીની પરાયણથી જ પાંચમા માળેથી ખસેડીને સર્જીકલ ઓટી ત્રીજા માળે કાર્યરત કરવામાં આવ્યું હતું પરંતુ અહીં આજે ચોખ્ખુ પાણી ભરાઇ જવાના કારણે દસ જેટલા ઓપરેશન મુલતવી રાખવા પડયાં હતાં એટલું જ નહીં ઓટીમાં ભરાઇ ગયેલું ચોખ્ખુ પાણી ક્યાંથી આવે છે તે અંગે પણ નિષ્ણાંતો કોઇ પત્તો લગાવી શક્યા ન હતા. આવી સ્થિતિ શરૂ રહી તો ફરી શર્ટડાઉન કરવાની નોબત આવશે.