આંધ્રપ્રદેશના નવા મુખ્યમંત્રી તરીકે જગનમોહન રેડ્ડીએ આજે શપથ લીધા હતા. ખુબ જ સંઘર્ષ કરીને જગનમોહન રેડ્ડી આગળ આવ્યા છે. પિતા વાયએસ રાજશેખર રેડ્ડીના અચાનક અવસાન બાદ કોંગ્રેસ હાઈકમાન્ડની ઉપેક્ષા અને આવક કરતા વધુ સંપત્તિ રાખવાના મામલામાં જેલમાં પણ જવાની રેડ્ડીને ફરજ પડી હતી. આખરે તેમની મહેનત અને સંઘર્ષનો ફાયદો થયો છે. આજે જગનમોહન રેડ્ડીએ મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા હતા. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકેના જગનમોહન રેડ્ડીએ શપથ લીધા ત્યારે મોટી સંખ્યામાં સમર્થકો પણ ઉપસ્થિત રહ્યા હતા. નાના કારોબારીથી લઇને શક્તિશાળી નેતા બનવા સુધી તેમની કેરિયર ખુબ જ સંઘર્ષપૂર્ણ રહી છે. બે દશકની તેમની કેરિયરમાં જગનમોહન રેડ્ડીએ સારા અને ખરાબ દિવસો રહ્યા છે. કારોબારી તરીકે રેડ્ડીનો ગાળો એક દશક સુધી ચાલ્યો હતો. તમામ પ્રકારની અડચણો આવી હોવા છતાં આખરે આમાથી બહાર નિકળી ગયા છે. આંધ્રપ્રદેશમાં શાનદાર જીત હાંસલ કર્યા બાદ આજે મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા હતા. રેડ્ડીએ વિજયવાડામાં આઈજીએમસી સ્ટેડિયમમાં આયોજિત કાર્યક્રમમાં પાર્ટી નેતાઓ અને કાર્યકરોની ઉપસ્થિતિમાં શપથ લીધા હતા.
બપોરે ૧૨.૨૩ વાગે જગનમોહન રેડ્ડીએ તેલુગુ ભાષામાં શપથ લીધા હતા. અત્રે નોંધનીય છે કે, હાલમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં તથા લોકસભાની ચૂંટણીમાં તેમની પાર્ટીએ જોરદાર સપાટો બોલાવ્યો હતો. આંધ્રપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં તેમની પાર્ટીએ ૧૭૫ પૈકીની ૧૫૧ સીટો જીતી લીધી છે. આવી જ રીતે તેમની પાર્ટીએ રાજ્યની ૨૫ લોકસભા સીટ પૈકી ૨૨ સીટો ઉપર જીત મેળવી લીધી છે. વાયએસઆર કોંગ્રેસે પાંચ વર્ષ પહેલા તેલંગાણાની રચના બાદ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી બનેલા ચંદ્રાબાબુ નાયડુને કારમી હાર આપી હતી.