રાજીવને રાહત : સીબીઆઈ સમક્ષ ઉપસ્થિત નહીં થવું પડે

438

કોલકાતાના પૂર્વ કમિશનર રાજીવ કુમારની અરજીને કોલકાતા હાઈકોર્ટે સ્વીકારી લીધી છે જેના લીધે રાજીવ કુમારને કામચલાઉ રાહત થઇ છે. હવે તેમને સીબીઆઈની સમક્ષ ઉપસ્થિત થવાની જરૂર પડશે નહીં. અલબત્ત રાજીવ કુમારને પોતાનો પાસપોર્ટ જમા કરાવવો પડશે. રાજીવ કુમાર કોલકાતાની બહાર પણ જઇ શકશે નહીં. સીબીઆઈની એક ટીમ રાજીવ કુમારની હાજરી લેવા માટે રોજ સાંજે ચાર વાગે તેમના આવાસ ઉપર જશે. શારદા ચીટ ફંડ કૌૈભાંડમાં રાજીવ કુમાર પર આ મામલાની તપાસમાં પુરાવા નષ્ટ કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ પહેલા રાજીવ કુમારને કોલકાતા હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી અને સીબીઆઈની એવી નોટિસને રદ કરવાની માંગ કરી હતી કે, તેમને સીબીઆઈ સમક્ષ ઉપસ્થિત થવાથી રાહત આપવામાં આવે.

કોલકાતા હાઈકોર્ટે હવે પાસપોર્ટ જમા કરવા અને સીબીઆઈને સહકાર કરવાની શરત પર રાજીવ કુમારની અરજીને સ્વીકારી લીધી છે. હાઈકોર્ટે એમ પણ કહ્યું છે કે, આગામી એક મહિના સુધી રાજીવ કુમારની સામે કોઇપણ બળપૂર્વક કાર્યવાહી થઇ શકશે નહીં.

આનો મતલબ એ થયો કે, તેમને આગામી એક મહિના સુધી પકડી શકાશે નહીં. આ મામલામાં આગામી સુનાવણી ૧૨મી જૂનના દિવસે હાથ ધરવામાં આવશે. આ ગાળા દરમિયાન તેઓ કોલકાતાની બહાર પણ જઇ શકશે નહીં. સીબીઆઈની ટીમ દરરોજ સાંજે ચાર વાગે તેમના ઘરે જઇને માહિતી મેળવશે. બીજી બાજુ સીબીઆઈની ટીમ તેમના ઉપર ચાંપતી નજર પણ રાખશે. અત્રે નોંધનીય છે કે, શારદા કૌભાંડ સાથે જોડાયેલા મામલામાં રાજીવ કુમાર સોમવારના દિવસે સીબીઆઈના અધિકારીઓને મળવા માટે પહોંચ્યા ન હતા. કુમારે પત્ર મોકલીને રજા ઉપર હોવાની વાત કરી હતી. સાથે સાથે સીબીઆઈ પાસેથી વધારે સમયની માંગ પણ કરી હતી.

Previous articleદિલ્હીમાં સુરત જેવી ઘટના બની : બધાનો બચાવ થયા
Next articleકોંગ્રેસમાં હાહાકાર : પ્રવકતા એક મહિના સુધી ડિબેટમાં નહીં દેખાય