એટ્રોસિટી એક્ટની ફરિયાદ રદ કરતો મહત્વપૂર્ણ ચુકાદો

914

દાહોદ નગરપાલિકાના ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનના ટેન્ડર અંગે કોન્ટ્રાક્ટર  સુનીલ શાંતિલાલ શાહ વિરુદ્ધ ફરીયાદી કનુભાઈ ભાયજીભાઈ સોલંકીએ ઇન્ડિયન પીનલ કોડની કલમ-૪૦૬, ૪૨૦ અને શીડ્યુલ કાસ્ટ એન્ડ ટ્રાઇબ્સ(પ્રિવેન્શન ઓફ એટ્રોસીટીઝ) એકટ-૧૯૯૯ ની કલમ-૩ હેઠળ દાહોદ ટાઉન પોલીસ સ્ટેશનમાં અમુક કામદારોને પગાર ન ચુકવ્યાનો આરોપ હેઠળ એફ.આઈ.આર નોંધાઇ હતી. આ ફરિયાદ વિરુદ્ધ શાંતિલાલ શાહ તેમના એડવોકેટ નિમિષ એમ. કાપડિયા અને નિસર્ગ એમ. શાહ મારફત હાઇકોર્ટમા ફોજદારી પરચૂરણ અરજી નં-૨૪૧૩૦/૨૦૧૮ કવોશિગ પીટીશન દાખલ કરી હતી. જેમાં ગુજરાત હાઇકોર્ટે નગરપાલિકાના ચીફ ઓફિસરને જોડવાનો હુકમ કર્યો હતો. તમામ પક્ષકારોની સુનાવણીના અંતે હાઇકોર્ટે એટ્રોસીટી એકટ હેઠળ નોંધાયેલી ફરિયાદ રદ કરતો મહત્વનો ચુકાદો જારી કર્યો હતો. અરજ્દાર તરફથી એડવોકેટ નિમિષ એમ.કાપડિયાએ મહત્વની રજુઆત કરતાં જણાવ્યું હતું કે, આ કેસ દીવાની પ્રકારનો છે અને પોલીસ મશીનરીનો દૂરઉપયોગ કરી કોન્ટ્રાક્ટર શ્રી સુનિલ શાંતિલાલ શાહની ખોટી રીતે સંડોવણી કરવામાં આવી છે. એફ.આઇ.આર જોતા કોઈપણ આક્ષેપ એટ્રોસીટી એક્ટ હેઠળનો નથી. આખી ફરિયાદમા ૪૦૬,૪૨૦  મુજબનો ગુનો બનાવતો કોઈપણ મુદ્દો ઉપસ્થિત થતો નથી.  તેથી જો મિનિમમ વેજ (લઘુત્તમ વેતન) ન અપાયુ હોય તો ૪૦૬, ૪૨૦  મુજબ ગુનો નોંધાય નહી. આ પિટિશનમાં શાંતિ કોર્પોરેશન ના બેંક સ્ટેટમેન્ટ રજુ કરવામાં આવ્યા હતા. જેમાં ઠેકેદારોને મોટી રકમ ચૂકવવામાં આવેલ છે તે સ્પષ્ટ રીતે છલકાતું હતું. ફરિયાદી તે બની બેઠેલો સુપરવાઇઝર છે, તેની નિમણૂક શાંતિ કોર્પોરેશન દ્વારા કરવામાં નથી આવી. આ સમસ્યાનો મૂળ મુદ્દો હિસાબોને લગતો હતો. ઉપરાંત દાહોદ મ્યુનિસિપાલિટીએ શાંતિ કોર્પોરેશનને અમુક રકમ ચૂકવવાની બાકી છે.

આ બધા મુદ્દાઓ ધ્યાનમાં રાખી  ગુજરાત હાઇકોર્ટના જસ્ટીસ સોનિયાબેન ગોકાણીએ ઠરાવ્યું હતુ કે, આ આખો વિવાદ દીવાની પ્રકારનો છે અને તેથી તે રદ થવા પાત્ર છે. હાઇકોર્ટ ખાસ નોંધ્યુ હતું કે, આ સિવિલ કેસ હોવા છતા ક્રીમીનલ કેસ તરીકે નોંધાયો હોય તેવા ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. હાઈકોર્ટેએ વધુમાં એમ પણ જણાવ્યું કે, મજૂરોનો હકક  ડૂબવો ન જોઈએ. તેથી બધી પાર્ટીઓ જોડે બેસી આ વિવાદનો હલ કાઢે અને જો વિવાદનો  સુખદ નિવેડો ન આવે તો દીવાની અથવા લેબર કોર્ટ રાહે દાદ માંગી શકે તેમ પણ હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું હતું. આમ, હાઇકોર્ટે એટ્રોસીટી એકટ હેઠળની ફરિયાદ રદ કરતો મહત્વનો ચુકાદો જારી કર્યો હતો.

Previous articleઓવરસ્પીડ વાહનચાલકો સાવધાન, આવી ગઈ છે US ટેક્નોલોજી ધરાવતી સ્પીડ ગન
Next articleઢસા રેલ્વે લાઇન નજીક રાત્રીનાં સમયે માટી ભરેલું ડમ્પર પલ્ટી જતા ભાગદોડ