તલગાજરડા ખાતે મોરારિબાપુનાં હસ્તે કવિ જવાહર બક્ષીનાં પુસ્તકનું વિમોચન

744

જૂનાગઢની રુપાયતન સંસ્થાના ઉપક્રમે ચિત્રકુટધામ તલગાજરડા ખાતે તારીખ ૨૮/૫ ના રોજ કવિ શ્રી જવાહર બક્ષીના પુસ્તક “નરસિંહ મહેતાની કવિતામાં આધ્યાત્મિકતા”નું વિમોચન પૂજ્ય બાપુના શુદ્ધ હસ્તે સંપન્ન થયું.દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પી.એચ.ડી.ની પદવી માટે તેમણે પ્રસ્તુત કરેલ મહાનિબંધને રૂપાયતન સંસ્થાએ મુદ્રિત સ્વરૂપે પ્રકાશિત કરેલ આ ગ્રંથ પૂજ્ય બાપુ દ્વારા આજે લોકાર્પિત થયો.

કાર્યક્રમના શુભારંભે રૂપાયતન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી હેમંતભાઈ નાણાવટીએ સૌનું શાબ્દિક સ્વાગત કર્યું અને કહ્યું કે “આપણે કોઈએ નરસિંહ મહેતાને તો જોયો નથી,પણ આપણા માટે પૂજ્ય બાપુ જ નરસિંહ મહેતાનું પ્રગટ સ્વરૂપ છે ! બાપુએ નરસિંહ મહેતાને ઉતાર્યો છે, ઉજાળ્યો છે અને ગજાવ્યો પણ છે.તેમણે શ્રી બક્ષીના પુસ્તક ઉપરનું આવરણ ચિત્ર બનાવનાર શ્રીવૃંદાવન સોલંકીને પણ આ તકે આવકાર્યા.

આ પ્રસંગે જવાહર બક્ષીએ પોતાના પ્રભાવી,પ્રવાહી અને પ્રસાદપૂર્ણ પ્રવચનમાં જણાવ્યું  કે નરસિંહના પદો પોતે જ સૌથી મોટો ચમત્કાર છે ! શ્રી બક્ષીએ કહ્યું કે સંયમથી  સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે,  જેનો આપણે પ્રસ્તુત પુસ્તકમાં ઉલ્લેખ કર્યો છે.

તેમણે ’જળ કમળ છાંડી જાને’ એ પદનુંઆધ્યાત્મિક ભૂમિકા ઉપરથી સૂક્ષ્મ વિશ્લેષણ કરી,કાવ્યમાં રહેલી દાર્શનિક ભૂમિકાને સ્પષ્ટ કરી. સમગ્ર પ્રવચન દરમિયાન શ્રી જવાહર બક્ષીની પોતાની આધ્યાત્મિક ઉંચાઈ તેમની યોગ વિષયક અનુભૂતિ તેમજ કવિ તરીકેની તેમની શબ્દ પરખ સહજ રીતે પ્રગટ થતી હતી

આ પ્રસંગે પોતાની પ્રસન્નતા વ્યક્ત કરતા પૂજ્ય બાપુએ કહ્યું કે જવાહરભાઈએ ગ્રંથ તૈયાર કર્યો, નિરુપમ નાણાવટીએ સહાયતા પૂરી પાડી,અને હેમંતભાઈ નાણાવટીએ પ્રકાશનનું જે સુંદર કાર્ય કર્યું, તે બદલ એમને સાધુવાદ કે ધન્યવાદ આપવાને બદલે પોતે નરસિંહ વાદ આપે છે.

તેમણે જણાવ્યું કે  અહીં આ લોકાર્પણ થયું  એનો જે આનંદ છે, એવો આનંદ કદાચ આપણને અન્ય કોઈપણ જગ્યાએ થયો ન હોત, એટલે મારે માટે તો “આજની ઘડી છે રળિયામણી” ! બાપુએ કહ્યું કે “હું શબ્દનો સાધક છું. હું શબ્દને જરાપણ આમથી આમ કરું તો સરસ્વતી વિણા વગાડે નહીં, મારા માથે વિના મારે ! કાવ્યરચનાનું બંધારણ તૂટે, તો ક્યારેક અર્થનો અનર્થ થઈ જાય.પરંતુ જવાહરભાઈએ તો શબ્દોને પોતાના અભ્યાસ અને અનુભવની ભૂમિકા પરથી પ્રગટ કર્યા છે.અભ્યાસ,યોગ  અને યોગ્યતા તેમના પ્રવચનમાં  છે. આટલા અધિકારપૂર્વકનું, નરસિંહ મહેતા ઉપરનું આટલું શ્રેષ્ઠ પ્રવચન પોતે આટલા વર્ષમાં પહેલી વાર સાંભળ્યું !

બાપુએ કહ્યું કે નરસિંહ મહેતાને નાગરોએ બહુ સતાવ્યા છે, એવી આપણી ધારણા છે.નરસિંહ મહેતા એક એટલું ઊંચું વિભૂતિ-તત્વ છે કે તેને કોઈ સતાવી શકે જ નહીં .આજે ૬૦૦ વર્ષ પછી નરસિંહની કવિતાના નવા નવા અર્થો ને જવાહરભાઈએ ગ્રંથો અને શાસ્ત્રોના આધાર સાથે એવી રીતે મૂલવ્યા છે કે કોઈ એને કાપી શકે નહીં.આ નાગરનું કૂળ,મૂળ અને ધૂળ નરસિંહ મહેતાના છે !બાપુએ કહ્યું કે ’ધરા’થી ઉપર ઉઠીને ’અધરા’કેમ થવાય,એ વાત જવાહર ભાઈ જાણે છે અને એના આધારે એમનું આ દર્શન છે.અહીં લૌકિકતાથી મુક્ત થવાની વાત છે.સાંસારિક બંધનોમાં જકડી રાખવાની અહીં વાત નથી.આ વિજ્ઞાનની વાત છે,સાથે આધ્યાત્મિકતાની પણ વાત છે.

Previous articleઘોઘા તા.પં.ની સાધારણ સભામાં વિકાસ કાર્યો માટે ગ્રાંટની મંજુરી
Next articleભાવનગર મહાપાલિકાના દ્વારેથી