અમદાવાદમાં ફરીથી ગટરની ગૂંગળામણથી મોતનાં સમાચાર સામે આવી રહ્યાં છે. શહેરનાં જુહાપુરાનાં અજીમ ફ્લેટમાં ગટર સફાઇની છૂટક મજૂરી માટે ગયેલા આધેડ ચંદુભાઇ વાળાનું મોત નીપજ્યું છે. હાલ વેજલપુર પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ મામલે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે અમદાવાદનાં જુહાપુરા વિસ્તારમાં આવેલા અજીમ ફ્લેટમાં ગટર સાફ કરતાં મજૂર તરીકે આવતા એક આધેડ વ્યક્તિનું મોત નીપજ્યું છે.
ચંદુભાઇ વાળા કોઇપણ સેફ્ટી કીટ કે સેફ્ટીનાં સાધનો લીધા વગર ગટર સાફ કરવા માટે ઉતર્યા હતાં. હાલ વેજલપુર પોલીસ સ્ટેશનમાં મનુષ્ય વધનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
થોડા દિવસ પહેલા પણ અમદાવાદનાં ઓઢવ વિસ્તારમાં આવેલ અંબિકા નગર પમ્પિંગ સ્ટેશનમાં ગટર સાફ કરવાનું કામ ચાલી રહ્યું હતું. રાત્રિ દરમિયાન ગટર સાફ કરવા માટે ચાર મજૂરો ગટરમાં ઉતર્યા હતા.
ગેસ ગળતરની અસર ચારેય મજૂરોને થઈ હતી. જેથી તેઓના મોત નિપજ્યા હતા. રમેશભાઈ, સુનિલ, લાલસિંહ, સર્વજિત નામના ચાર મજૂરો મહિમા ઈન્ડસ્ટ્રીઝ અંતર્ગત સફાઈનું કામ કરતા હતા. તેઓને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર ક્રયા હતા. આ તમામ મજૂરો પણ સેફ્ટીના સાધનો વગર અંદર ઉતર્યા હતા.