પાલનપુર સિવિલ હોસ્પિટલના ૫૦ સફાઈ કામદારો ભૂખ હડતાળ પર ઉતર્યા

619

બનાસકાંઠા જિલ્લાની સૌથી મોટી પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા સફાઈ કામદારોએ આજે પગારની અનિયમિતતા અને કોન્ટ્રાક્ટર દ્વારા તેમને ફરજમાંથી છૂટા કરી દેવાની ધમકીઓ આપવામાં આવતા હોસ્પિટલના આશરે ૫૦ જેટલા સફાઈ કામદારો ભૂખ હડતાળ પર ઉતરી જઈને સિવિલ પ્રશાસન સામે મોરચો માંડતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. જોકે સફાઈ કામદારોની હડતાળથી હોસ્પિટલમાં સફાઈની કામગીરી કથળી પડી હતી.

પાલનપુરની સરકારી સિવિલ હોસ્પિટલમાં જ્યારથી બનાસ મેડિકલ કોલેજે સત્તાનું સુકાન સાંભળ્યું છે. ત્યારથી સિવિલ હોસ્પિટલ યેનકેન પ્રકારે વિવાદોમાં ઘેરાયેલી રહે છે. જેમાં મેનેજમેન્ટનુ સરકારી સ્ટાફ પર દબાણ અને કામના ભારણને લઈ મોટાભાગના સ્ટાફે બદલીઓ કરાવી દીધી છે. તેમજ અગાઉ કોન્ટ્રાક્ટર દ્વારા એક વર્ષો જુના સફાઈ કામદારને ફરજમાંથી છૂટો કરી દેવાની ધમકી આપવામાં આવતા આ કામદાર રોજગારી છીનવાઈ જવાના ડરને લઈ ફીનાઈલ પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ કોન્ટ્રાક્ટર દ્વારા સિવિલમાં સફાઈનું કામ કરતા કામદારોને ઓછુ વેતન ચુકવીને તેમનું શોષણ કરવામાં આવતું હોવાની તેમજ પગાર વધારો માંગતા કોન્ટ્રાક્ટર દ્વારા તેમને ફરજમાંથી છૂટા કરી દેવાની ધમકી આપવામાં આવતી હોવાની રાડ ફરિયાદો ઉઠી હતી. જે વચ્ચે આજે સિવિલના ૫૦ જેટલા સફાઈ કામદારોએ કોન્ટ્રાક્ટરની જોહુકમી સામે ન્યાયની માંગ સાથે સામુહિક રીતે ગાંધીચિંધ્યા માર્ગે સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં જ ભૂખ હડતાળ પર ઉતરી જતા હોસ્પિટલ પ્રસાસનમાં હડકંપ મચી જવા પામ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે પાલનપુર સિવિલનું ખાનગીકરણ થયા બાદ હોસ્પિટલનો કારભાર બનાસ મેડિકલ કોલેજ હસ્તક આવતા જ રોજબરોજ નાના મોટા વિવાદ સર્જાઈ રહ્યા છે. જેમાં પગારના મામલે સફાઈ કામદારોનું શોષણ અને તેમને ફરજમ્થી છૂટા કરવાની ધમકી આપવામાં આવતા વર્ષોથી હોસ્પિટલમાં કામ કરતા સફાઈ કામદારોએ ન્યાયની માંગ સાથે હોસ્પિટલ પ્રાંગણમાં જ ગાંધીચિંધ્યામાર્ગે આંદોલન શરૃ કરતાં હોસ્પિટલમાં સફાઈની કામગીરી કથળી પડતા સિવિલ સત્તાધીશોમાં દોડધામ મચી જવા પામી છે. બીજીબાજુ જ્યાં સુધી સફાઈ કામદારોની માંગ સ્વીકારવામાં નહિ આવે તો ભુખ હડતાળ ચાલુ રાખવાની કામદારોએ ચિમકી આપતા હોસ્પિટલ તંત્ર હરકતમાં મુકાઈ જવા પામ્યું છે.

બનાસકાંઠાને મેડિકલ કોલેજની મંજૂરી મળતા પાલનપુર સિવિલ હોસ્પિટલનો કાર્યભાર મેડિકલ કોલેજે સાંભલી લીધો છે. અને હોસ્પિટલમાં દર્દીઓને અદ્યતન અને ખાનગી હોસ્પિટલ જેવી સગવડ અને સારવાર મળે તે માટે મેનેજમેન્ટ દ્વારા પગલાં ભરવામાં આવી રહ્યા છે. હોસ્પિટલમાં કામગીરીની પદ્ધતિમાં બદલાવ આવતા ફરજમાં બેદરકારી દાખવનાર અને લાલીયાવાડી ચલાવતા સરકારી કર્મચારીઓ બેબાકળા બની ગયો હોય યેનકેન પ્રકારે હોસ્પિટલને બદનામ કરવાના કારસા રાચતા હોવાનું પણ ચર્ચાસ્પદ બન્યું છે.

Previous articleપોલીસે લાવરા ગામ પાસેથી ૩૫ લાખથી વધુના મુદ્દામાલ સાથે દારૂ ઝડપી પાડ્યો
Next articleઘરકંકાસમાં બે બાળકો હોમાયા, માતાએ પણ કરી આત્મહત્યા