સુરતમાં તક્ષશિલા કોમ્પ્લેક્ષમાં લાગેલી આગમાં ૨૩ નિર્દોષ વિદ્યાર્થીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ફાયરબ્રિગેડની યોગ્ય કામગીરીના અભાવે મોટી સંખ્યામાં જાનહાની થઇ હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ રાજ્યભરમાં ફાયરબ્રિગેડ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે તેની સાથે લોકોને કઇ રીતે બચી શકાય તે માટેના ડેમોન્સ્ટ્રેશનનું પણ આયોજન ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આજે અમદાવાદના મેમનગર ફાયરબ્રિગેડ પાસે હોસ્પિટલમાં આગ લાગે તો બાળકોને અને પોતે કઇ રીતે બચી શકાય તે માટે ખાસ ડેમોન્સ્ટ્રેશન યોજાયું હતું. આ દરમ્યાન ફાયરની ઘટના દરમિયાન શું કરવું અને શું ન કરવું જેવી માહિતી આપવામાં આવી હતી. તો, ડોકટરોને પણ અગ્નિશામક સાધનો અને તેના ઉપયોગની સમજ ફાયરબ્રિગેડના નિષ્ણાત અધિકારીઓ દ્વારા અપાઇ હતી. શહેરના મેમનગર ફાયર સ્ટેશન ખાતે એડિશનલ ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટ સહિતના નિષ્ણાત અધિકારીઓ દ્વારા હોસ્પિટલમાં, કલાસીસ સહિતના સ્થળોએ આક્સ્મિક આગ ફાટી નીકળે ત્યારે કેવી રીતે આગથી બચવુ અને કઇ કઇ બાબતોની તકેદારી રાખવી ઉપરાંત, અગ્નિશામક સાધનોના ઉપયોગ થકી કેવી રીતે આગ કાબૂમાં લેવી અને અંતિમ પરિસ્થિતિમાં કેવી રીતે જીવ બચાવી શકાય સહિતના મુદ્દાઓને લઇ બહુ અસરકારક ડેમોન્સ્ટ્રેશન દર્શાવવામાં આવ્યું હતું. અમદાવાદ ફાયરબ્રિગેડના અધિકારીઓ દ્વારા કરવામાં આવેલા ડેમોસ્ટ્રેશનમાં ખાસ સાધનો કઇ રીતે મદદરૂપ થઇ શકે તે માટે સમજાવવામાં આવ્યું હતું. તેમાં હવા ભરેલા જંપિંગ પ્લેટફોર્મ પર કૂદવાની સાથે હાઇરાઇઝ પર સીડી દ્વારા કઇ રીતે બચાવ કામગીરી થાય છે તે વિશેની માહિતી આપવામાં આવી હતી. તેની સાથે આવનારા સમયમાં ડોક્ટર અને હોસ્પિટલ સ્ટાફને કઇ રીતે ફાયર સેફ્ટીના સાધનોનો ઉપયોગ કરી શકાય અને ઇમરજન્સીમાં કેવી રીતે દર્દીઓ અને તેમના પરિવારજનોની જીંદગી બચાવી શકાય તેની પણ માહિતી અને સમજ આપવામાં આવી હતી. આજના ડેમોસ્ટ્રેશનમાં પ્રાથમિક ફાયર સેફ્ટીના ઉપકરણનો કઇ રીતે ઉપયોગ કરી શકાય તેની સાથે આધુનિક સાધનોનો કઇ રીતે ઉપયોગ કરી શકાય તે માટે બહુ ઉપયોગી જાણકારી આપવામાં આવી હતી. જેમાં એર જંપિંગ ફ્યુઝન, હાઇડ્રોલિક પ્લેટફોર્મ, ૫૫ મીટર તેમજ ૧૬૫ પુટ જેમાં મલ્ટિપલ રેસ્ક્યૂ કરી શકાય તે અંગે માહિતી અપાઈ હતી.