આજે શનિ જ્યંતિઃ શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ

633

શનિ જ્યંતિને લઇને જુદા જુદા મંદિરોમાં જોરદાર તૈયારીઓ કરવામાં આવી છે. આવતીકાલે શનિ જ્યંતિ હોવાથી શ્રદ્ધાળુઓ શનિ દેવતાના દર્શન કરવા માટે જુદા જુદા મંદિરોમાં સારવાથી જ પડાપડી કરશે. જુના અને પ્રાચીન મંદિરોમાં વિશેષ આયોજનો કરવામાં આવ્યા છે. શહેરના અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ સુપ્રસિધ્ધ નાગરવેલ હનુમાન મંદિર ખાતે આવતીકાલે તા.૩-૬-૨૦૧૯ના રોજ સોમવારે અમાવસ્યાના રોજ શ્રી શનિદેવ જયંતિ મહોત્સવની ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ વિશેષ દિન નિમિતે નાગરવેલ હનુમાનજી મંદિર ખાતે સ્થિત ૮૦૦ કિલોની શનિ શિલા પર તેલથી લઘુરૂદ્રાભિષેક કરવામાં આવશે એમ  શ્રી નાગરવેલ હનુમાન મંદિરનાગરવેલ મંદિર શ્રી રંગનાથાચાર્યજી મહારાજે જણાવ્યું હતું. આવતીકાલે શનિદેવ જયંતિ મહોત્સવને લઇ શહેરના વિવિધ શનિમંદિરોમાં પણ શનિભકતોની ભારે ભીડ જામશે. આવતીકાલે બપોરે ૩-૩૨ સુધી સોમવતી અમાસ રહેશે જો કે, શનિ પ્રાગટયની સમગ્ર દિવસ દરમ્યાન ઉજવણી કરવામાં આવશે. સુપ્રસિધ્ધ અને ચમત્કારિક નાગરવેલ હનુમાનજી મંદિર ખાતે અમાવસ્યા નિમિતે શનિ જયંતિ મહોત્સવના વિશેષ આયોજન અને કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. આ અંગે શ્રી નાગરવેલ હનુમાન મંદિરનાગરવેલ મંદિર શ્રી રંગનાથાચાર્યજી મહારાજે નગરજનો અને શ્રધ્ધાળુ ભકતોને આ પવિત્ર દિવસે નાગરવેલ હનુમાન અને શનિ મહારાજના ખાસ દર્શનનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, પ્રાચીન અને ઐતિહાસિક એવા નાગરવેલ હનુમાનજી મંદિર ખાતે આવેલ શ્રી શનિદેવની મૂર્તિને આવતીકાલે તા.૩જી જૂનના રોજ સોમવારે ભવ્ય રીતે શ્રૃંગાર દ્વારા સજાવવામાં આવશે. સવારે ૧૦-૦૦થી ૧-૦૦ કલાકે ૮૦૦ કિલોની શનિ શિલા પર સરસોના તેલથી લઘુરૂદ્રાભિષેક કરવામાં આવશે. તો, સાંજે ૫-૦૦થી ૮-૦૦ શનિ હવન અને રાત્રે ૮- ૩૦ કલાકે શનિદેવની વિશેષ આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. આ દિવસે હજારો શનિભક્તો સરસોનું તેલ, કાળુ કાપડ, કાળા અડદ, કાળી છત્રી, કાળા બુટ-ચંપ્પલ, લોખંડની વસ્તુઓ શનિદેવને અર્પણ કરી વિશેષ પુણ્ય મેળવશે. શ્રી રંગનાથાચાર્યજી મહારાજે વધુમાં ઉમેર્યું હતું કે, શાસ્ત્રોમાં પણ શનિ અમાવસ્યાનો અનેરો મહિમા વર્ણવાયેલો હોઇ શ્રધ્ધાળુ ભકતોએ આ દિવસે શકય એટલો શનિદેવનો જાપ અને મંત્ર ઉચ્ચારણ કરી તેમને યથાશકિત ઉપરોકત વસ્તુ અર્પણ કરી દાન-ધર્મ કરી પુણ્યનું ભાથુ બાંધવુ જોઇએ કારણ કે, તે અનેકગણું ફળ આપનારું બની રહે છે. તો, આવતીકાલે શહેરના દૂધેશ્વરના અતિપ્રાચીન શનિમંદિરમાં શનિદેવ અમાવસ્યાની ઉજવણીનું ભવ્ય આયોજન કરાયું છે. દૂધેશ્વરના શનિમંદિર ખાતે આવતીકાલે શનિદેવને મહાપ્રસાદ ધરાવાશે. આ સાથે જ શનિદેવની ભવ્ય મહાઆરતી અને હોમ-હવન, યજ્ઞનું પણ આયોજન કરાયું છે.

તો વાસણા વિસ્તારના શનિદેવ મંદિર, શાહીબાગ વિસ્તારના શનિમંદિર, થલતેજ ખાતેના શનિમંદિર, ડ્રાઇવઇન વિસ્તારમાં વૈભવલક્ષ્મી મંદિરમાં આવેલ શનિમંદિર સહિતના શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા શનિમંદિરોમાં શનિમહારાજની જયંતિની ભવ્ય ઉજવણી ઉપરાંત, તેલ અભિષેક અને વિશેષ પૂજા-મહાઆરતીનું આયોજન કરાયું છે. આવતીકાલે શનિદેવ અને પિતૃઓની કૃપા મેળવવાનો મહામૂલો અવસર હોઇ શ્રધ્ધાળુ શનિભક્તોની ભારે ભીડ શનિમંદિરોમાં જામશે. દરમિયાન આવતીકાલે સોમવાર અને સોમવતી અમાસ હોઇ શિવમંદિરો અને શિવાલયોમાં પણ શિવભકતોની ભારે ભીડ જામશે. આવતીકાલે ભોળાનાથને વિશેષ જળાભિષેક, દૂધ, ધન-ધાન્યનો મહાઅભિષેક અને લઘુરૂદ્ર સહિતના વિશેષ પૂજા-આરતીના આયોજન શિવમંદિરોમાં કરવામાં આવ્યા છે, જેને લઇને શ્રધ્ધાળુ ભકતોમાં ભારે ઉત્સાહ છે. સોમવતી અમાસનો શાસ્ત્રમાં પણ ખાસ મહિમા વર્ણવાયેલો હોવાથી આવતીકાલે શિવભકતો ભોળાનાથને રીઝવવાના અને તેમને પ્રસન્ન કરવા જળાભિષેકથી લઇ મહામૃત્યુંજય જાપ, લઘુરૂદ્ર સહિતના પૂજા, જપ-તપ સહિતની આરાધના કરશે.

Previous articleઆગકાંડ બાદ હવે અમદાવાદ ફાયરબ્રિગેડ દ્વારા ડેમોન્સ્ટ્રેશન
Next articleસુરત અગ્નિકાંડમાં એફસએફલનો રિપોર્ટ રજૂઃ આગ આર્કેડની અંદરથી લાગી હતી